પલસાણાનાં એના ખાતે આગામી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની મિટિંગ યોજવામાં આવી

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, પલસાણા) : આગામી તારીખ 26 થી 28 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનાં સુચારુ આયોજન અને માર્ગદર્શન અર્થે પલસાણા તાલુકાનાં એના ગામ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લાનાં ટીપીઈઓ, બીટ નિરીક્ષકો, શિક્ષણ સેવા વર્ગ 2 નાં અધિકારીઓ શિક્ષણ નિરીક્ષકો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, બીઆરસી તથા સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં આચાર્યો સહિત કેન્દ્ર શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે પ્રવેશોત્સવનાં નોડલ ઓફિસર એવાં નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી વજેસિંગભાઈ વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં

જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમાર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલનાં સંયુક્ત અધ્યક્ષસ્થાને યોજાયેલ આ મિટિંગમાં શાળા કક્ષાએ નિયત પરિપત્ર મુજબ આગોતરું આયોજન કરવા અંગે સવિસ્તર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ સાથે બંને મહાનુભવોએ દરેકને પોતપોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક સંગીતાબેન મિસ્ત્રીએ પ્રવેશોત્સવ સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કરી શાળાને મૂંઝવતાં પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનાં નમ્ર પ્રયત્નો હાથ ધર્યા હતાં. અંતમાં ઓલપાડનાં બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સૌને નવા શૈક્ષણિક સત્રની શુભેચ્છા પાઠવી આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *