SSC બોર્ડની પરીક્ષામાં ઓલપાડનાં લવાછાની શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલયનો ડંકો
શાળાનાં 100 ટકા પરિણામ સાથે 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત લવાછા ગામની શ્રી ઝેડ.એમ.પટેલ વિદ્યાલયે ચાલુ વર્ષે SSC બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરીને ઓલપાડ તાલુકામાં પ્રતિ વર્ષની જેમ પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે. શાળામાં ધોરણ 10 નાં 121 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં બેઠા હતાં અને તે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જે પૈકી શાળાનાં 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ જ્યારે 36 વિધાર્થીઓ B1 ગ્રેડ મેળવી શાળા અને ગામનું નામ રોશન કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળાનાં તેજસ્વી તારલાઓમાં પ્રથમ ક્રમે આવનાર દાંડી ગામની ખલાસી દિશા અશોકભાઈ (PR : 99.73 સાથે A1 ગ્રેડ, 96.33 ટકા), દ્વિતીય ક્રમે આવનાર દાંડી ગામની ખલાસી ઝીલ શક્તિભાઈ (PR: 99.64 સાથે A1 ગ્રેડ, 96 ટકા) જ્યારે તૃતિય ક્રમે આવનાર લવાછા ગામની પટેલ પ્રાર્થના શૈલેષભાઈ (PR: 99.28 સાથે A1ગ્રેડ, 95 ટકા) ઉપરાંત શાળાનાં A1 ગ્રેડ મેળવનારા કુલ 17 જેટલાં વિદ્યાર્થીઓએ શહેરનો મોહ છોડી ઘરઆંગણાની ગામડાની શાળામાં પ્રવેશ મેળવી નોંધપાત્ર સિદ્ધિ મેળવેલ છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં સામાન્ય પરિસ્થિતિમાં ખૂબ મહેનત કરીને તેમણે A1 ગ્રેડ મેળવ્યો છે જે ગૌરવપદ બાબત છે.
વિદ્યાર્થીઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ સૌને હરિઓમ આશ્રમ પ્રેરિત જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ નટવરભાઈ પટેલ, માનંદમંત્રી પ્રવીણભાઈ પટેલ સહિત મંડળનાં તમામ સભ્યો ઉપરાંત શાળાનાં આચાર્ય પંકજભાઈ પટેલ તથા શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
