બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ ૩ થી ૫ નાં શિક્ષકો માટે ભાષા તાલીમનું આયોજન કરવામાં આવ્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષકો માટે સતત વ્યાવસાયિક સજ્જતાનાં ભાગરૂપે દર વર્ષે 50 કલાકની (Continuous Professional Development-CPD) તાલીમની ભલામણ કરવામાં આવી છે. જેનાં ભાગરૂપે શિક્ષકે વ્યવસાય સંબંધિત કૌશલ્યમાં નિપૂણતા કેળવી તેનાં વ્યવસાયિક અનુરૂપ અદ્યતન બનવું તેમની પાયાની જરૂરિયાત છે તેમજ તે આજનાં સમયની આવશ્યકતા પણ છે. જે સંદર્ભે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકો માટે ભાષા તાલીમનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ તાલીમવર્ગમાં ધોરણ 3 થી 5 માં ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી વિષય લેતાં શિક્ષક ભાઈ-બહેનો તબક્કાવાર જોડાયા હતાં. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે આ તકે ઉપસ્થિત રહીને સૌને તાલીમનાં માધ્યમ થકી પોતાનાં શિક્ષણકાર્યને સાંપ્રત સમય સાથે જોડી તેને બાળકોનાં હિતમાં સઘન બનાવવા અનુરોધ કર્યો હતો. સદર તાલીમ વર્ગમાં નિયુક્ત તજજ્ઞો દ્વારા અધ્યયન નિષ્પત્તિઓ, મૂલ્યશિક્ષણ, પ્રવૃત્તિઓનું વૈવિધ્ય, અર્થગ્રહણ માટેની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ વર્ક જેવાં વિવિધ મુદ્દાઓ ઉપર સવિસ્તર છણાવટ કરવામાં આવી હતી.
તાલીમનાં પ્રથમ દિવસે તાલીમાર્થીઓની પ્રિ-ટેસ્ટ તથા બીજા દિવસે તાલીમનાં અંતે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. અંતિમ ચરણમાં તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનાં તાલીમવર્ગનું સંચાલન અનુક્રમે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, મુળદનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રેશ્મા પટેલ તથા સાયણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેશ પટેલે કર્યુ હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
