ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે મળેલી સમયસર બઢતીઓથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર

Contact News Publisher

વર્ષ ૨૦૨૪માં ૩૧૨ પી.એસ.આઇ, ૭૭ એ.એસ.આઇ, ૧૦૪૬ હેડ કોન્સ્ટેબલ અને ૧૧૨૯ પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત ૨૨૮ ક્લેરીકલ સ્ટાફ મળીને કુલ ૨૭૯૨ કર્મચારીઓને બઢતી અપાઇ
……
સમયસર બઢતી થતા પોલીસ કર્મચારીઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા
……

(પ્રતિનિધિ દ્વારા, ગાંધીનગર) : ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે.

કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્ષતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા આ બાબતને ખુબ જ સંવેદનાથી લઇ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં ચાલુ વર્ષે કુલ ૨૭૯૨ પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ વધુ સમર્પણભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે.

વર્ષ-૨૦૨૪માં સપ્ટેમ્બર માસ સુધીમાં ૩૧૨ પી.એસ.આઇને પી.આઇ, ૭૭ એ.એસ.આઇને પી.એસ.આઇ, ૧૦૪૬ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને ૧૧૨૯ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, ૨૨૮ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો છે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના મજબૂત નેતૃત્વ હેઠળ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ કર્મચારીઓને બઢતી આપવાનો ઉદ્દેશ્ય માત્ર તેમના વાજબી હકને સમ્માન કરવો જ નહીં, પરંતુ તેમના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ નિર્ણયથી રાજ્યની લૉ એન્ડ ઓર્ડર વ્યવસ્થામાં વધુ મજબૂતી આવશે.
…….

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *