ડાંગ જિલ્લાનાં સાપુતારાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ શાળાનાં મટકીફોડનાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનાં પ્રકરણમાં નવો વળાંક આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 05-09-2024 ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતેની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં મટકી ફોડ કાર્યક્રમમાં પડી ગંભીર ઈજાગ્રસ્ટ થયેલ વિદ્યાર્થીનાં પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આ વિદ્યાર્થીનાં વાલીએ શાળા સંચાલકોની બેદરકારી સાથે હોસ્પિટલનાં ખર્ચનો વળતર માટે મુખ્યમંત્રી સહીત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ ગત 26મી ઓગસ્ટે જન્માષ્ટમી નિમિતે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયેલ સ્કૂલ સાપુતારા ખાતે શાળા સંચાલકો દ્વારા સુરક્ષાનાં કોઈ સાધનો કે તકેદારી રાખ્યા વગર જ મટકીફોડ કાર્યક્રમ આયોજીત કર્યો હતો. જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતો આદિવાસી વિદ્યાર્થી જીતેશભાઈ ધૂમ નીચે પટકાતા ગંભીર ઇજા થવા સાથે પગમાં ત્રણ ફેક્ચર થયા હતા. આ ઘટનામાં વિદ્યાર્થીનાં વાલીએ શાળા સંચાલકો સામે બેદરકારી અને સુરક્ષાની કમી હોવા ઉપરાંત તેમનો દીકરો મટકી ફોડ કાર્યક્રમમાં રાજી ન હોવા છતાં પરાણે ભાગ લેવા મજબુર કરી તેમણે મટકી ફોડમાં ભાગ લેવડાવી પગમાં ફેક્ચર કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ વિદ્યાર્થીનાં વાલીએ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ સાપુતારાનાં સંચાલકો અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીના વાલીને ઘટના સમયે શાળાનાં સ્ટાફે ગેરમાર્ગે દોરી વિદ્યાર્થી ને ચક્કર આવી પડી જતા સામાન્ય ઇજા થઈ હોવાનું અને તેમને વલસાડ કે અન્ય જિલ્લામાં જ સારવાર માટે લઈ જવા દબાણ કર્યું હોવાનું મુખ્યમંત્રી ને કરેલ ફરિયાદમાં ઉલ્લેખ કરતા એકલવ્ય શાળાના સંચાલકોની કરતૂતનો પર્દાફાશ થયો છે. તેમણે શાળા સંચાલકો સામે બેદરકારીનો આક્ષેપ કરી તેમના દીકરાને કાયમી ખોડ ખાંપણ અને ઓપરેશન માટે 90 હજાર રૂપિયાનો જંગી ખર્ચ ભોગવવા સાથે યાતનાનો ભોગ બનેલ હોય તેની યોગ્ય વળતર માટે પણ માંગ કરી છે. તેમજ મટકી ફોડ કાર્યક્રમમાં શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલી બેદરકારી સામે સાંબધિત અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીની માંગ કરતા શાળા સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે સમગ્ર બાબતે તટસ્થ તપાસ હાથ ધરી શાળા સંચાલકોની બેદરકારીનો ભોગ બનેલ વિદ્યાર્થીનાં વાલીને યોગ્ય વળતર સાથે ન્યાય મળે તે જરૂરી બની ગયુ છે. ત્યારે રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ડાંગનાં આદિજાતિનાં ગરીબ દીકરા માટે સંવેદના દાખવી કસૂરવારો સામે કડક પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે..