વાલોડ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે ત્રિ-દિવસીય કાર્યશાળા યોજાઈ
પ્રાકૃતિક ખેતી તરફ તાપી જિલ્લાની આગેકૂચ
–
ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનાં વિવિધ પાસાંઓની સમજૂતી મેળવી : સફળ ખેડૂતઓએ પોતાના અનુભવો વર્ણવ્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 30 :- તાપી જિલ્લાના ખેડૂતો રસાયણિક ખેતીનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે, ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર, ખેતીવાડી તથા આત્મા પ્રોજેક્ટ દ્વારા સરકારના આ ખાસ મુહિમમાં સકારાત્મક અભિગમ સાથે સહભાગી થઈને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે.
વાલોડ ખાતે તાજેતરમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે યોજાયેલી ત્રિ-દિવસીય કાર્યશાળામાં ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદાન, મિશ્ર પાકો તથા પશુપાલન ,બાગાયત પાક લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ખેડૂત મિત્રોને રસાયણિક ખેતીથી જમીનની ગુણવત્તામાં થતો ઘટાડો અને માનવ સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃત કરાયા હતા. બીજી તરફ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જમીનની ગુણવત્તા સુધરે છે, રસાયણિક ખાતર, દવાઓમાં થતા ખર્ચની બચત થાય છે. વધુમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનના કારણે આવકમાં પણ વધારો થાય છે. જે અંગે પણ ખેડૂતોને જાણકારી આપીને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
ખેડૂતોએ કાર્યશાળામાં પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓની સમજૂતી મેળવીને પ્રાકૃતિક ખેતીના આ મહાઅભિયાનમાં અન્ય ખેડૂતોને પણ જોડાવવા અંગેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા જાળવવા તેમજ લોકોને વિવિધ પ્રકારના ગંભીર રોગોથી બચાવવા માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માગ છે.