ગૌતમ લબ્ધિ પરિવાર દ્વારા ઓલપાડ તાલુકાનાં ગોલા, આંધી તથા મોરથાણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં દાનની સરવાણી વહી
પરસેવાનો રૂપિયો પર સેવામાં કામ આવે ત્યારે આપણું જીવન સાર્થક ગણાય છે : સુરેશ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગૌતમ લબ્ધિ પરિવાર ‘વિદ્યા દાન શ્રેષ્ઠ દાન’નાં સૂત્રને સાકાર કરતો હોય તેમ ઓલપાડ તાલુકાનાં ગોલા, આંધી તથા મોરથાણ ગામની સરકારી પ્રાથમિક શાળાનાં તમામ બાલપુષ્પોને સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસમાં ઉપયોગી બની રહે એવી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૌતમ લબ્ધિ પરિવારનાં સભ્યોની અનેક સેવાકીય પ્રવૃત્તિની સુવાસે અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓનાં જીવનમાં રાજીપાનો સંચાર થયેલ છે. તેમની તેજોમય સખાવત દ્વારા કેટલાંયનાં જીવનમાં પ્રકાશ પથરાઈને આનંદનાં અજવાળા થયા છે.
કીટ વિતરણ પ્રસંગે ગૌતમ લબ્ધિ પરિવારનાં ટીમ લીડર અભય શાહે ગોલા પ્રાથમિક શાળાની શૈક્ષણિક પ્રગતિ તેમજ શાળાનાં સુંદર નૈસર્ગિક વાતાવરણથી પ્રભાવિત થઈ જણાવ્યું હતું કે આજરોજ અમારી સેવાનો આશય ખરા અર્થમાં સાર્થક થયો છે. આ તકે તેમણે ખુશીનો ભાવ વ્યક્ત કરી વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક સંવાદ સાધી તેમને સર્વાંગી વિકાસ માટે આશીર્વચન પાઠવ્યા હતાં. દાનની સરવાણીની સાથોસાથ ઉપસ્થિત સૌએ દાતાનાં સૌજન્યથી લાઇવ ઢોસાની મિજબાની માણી હતી.
અંતમાં શાળાનાં આચાર્ય સુરેશ પટેલે ત્રણેય શાળાઓ વતી ગૌતમ લબ્ધિ પરિવારની ટીમનો વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે અને સમાજમાં શિક્ષિત માણસોની સંખ્યા વધે તો સમાજ વધારે સમૃદ્ધ બનશે એવું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.