રાજ્યભરમાં પ્રવર્તી રહેલ હિટવેવને પગલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાળાઓનો સમય બદલવા રજૂઆત કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હાલમાં રાજયમાં અસહ્ય ગરમીનો પ્રકોપ પ્રવર્તી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં હિટવેવની અસર વર્તાઈ રહી છે. આ હિટવેવની અસરથી બચવાનાં સંદર્ભદર્શિત પત્રથી ગુજરાત સરકારનાં રાહત કમિશ્નર અને સચિવની કચેરી મહેસુલ વિભાગ દ્વારા એક એડવાઈઝરી બહાર પાડવામાં આવેલ છે. જેમાં શિક્ષણ વિભાગ માટે ગરમીની સીઝનમાં શાળાનાં સમય નિયંત્રણ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. હાલનાં દિવસોમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થવાનાં આરે છે. બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ વધારે હોઈ સરકારશ્રી દ્વારા ગરમીથી બચવા એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે તે સંદર્ભે હાલનાં 12:00 વાગ્યા સુધીનાં સમયનાં બદલે સવારે 7:00 થી 11:00 કલાક સુધીનો સમય નિર્ધારિત કરવા આજરોજ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેથી હિટવેવની સંભવિત આડઅસરોથી બાળકોને રક્ષણ મળે એમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવેલ છે.