કુકરમુંડા તાલુકાના કોઠલી ગામે ચાલી રહેલ ગેરકાયદેસર રેતી ખનનના વેપલા ઉપર પડદો પાડી દેવામાં ભૂસ્તર વિભાગની ભૂંડી ભૂમિકા !!
(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર) : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામની સિમમાં ભાવેશ પટેલની લીઝ મંજુર કરવામાં આવેલ છે અને હાલમાં નિઝર તાલુકાના કોઠલી ગામની સીમમાંથી ગેરકાયદે રેતી ખનન કરી લાખો રૂપિયાનો સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યાનો અને પોતાનો હદ વિસ્તાર છોડીને ખુબજ મોટા પ્રમાણમાં રેતી ખનન કરવાનો અહેવાલ બે દિવસ અગાઉ ગુજરાત રક્ષા અખબારમાં પ્રસિદ્ધ થયેલ હતો જેના આધારે નિઝર તાલુકાના ભુસ્તર વિભાગના કર્મચારી દ્વારા જે તે દિવસે સ્થળ તપાસ હાથ ધરી હતી, અને રાતના સમયમાં નિઝર તાલુકાના ભુસ્તર વિભાગના કર્મચારી દ્વારા કોઠલી ગામની સીમમાં ભાવેશ પટેલની લીઝ તરત જ બંદ કરાવી દેવામા આવી હતી.
આજ રોજ કોઠલી ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતી ભાવેશ પટેલની લીઝ બંદ હાલતમાં દેખાઈ રહી છે. નદીમાંથી નાવડીઓ નદીના કિનારે કાઢી લેવામા આવી છે. જે અંગે તાપી જીલ્લાના ભૂસ્તરશાસ્ત્રીશ્રી સાથે ટેલિફોનીક સંપર્ક કરી સ્થળ ઉપર થયેલ કામગીરી અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, “મને નથી ખબર ભાઈ”. તાપી જીલ્લાના ભૂસ્તરશાસ્ત્રીશ્રી આ અંગે અજાણ હોય અને વિભાગના કર્મચારી દ્વારા સ્થળ ઉપર જઈ નાવડીઓ નદીની બહાર કાઢવા જણાવતા હોય ત્યારે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શું તાપી જીલ્લાના ભૂસ્તરશાસ્ત્રીશ્રી આ અંગે બધુ જ જાણે છે અથવા કર્મચારી દ્વારા આખા ગેરકાયદેસર રેતી ખનનના વેપલા ઉપર પડદો પાડી દેવા હાલ પૂરતી ખનન પ્રવૃતિ બંધ કરવામાં આવી છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે થોડા દિવસ આ ગેરકાયદેસર લીઝ બંદ કરવામાં આવશે અને પછી સ્થાનિક કર્મચારીઓ/ભુસ્તર વિભાગના કર્મચારીઓ ગોઠવણ કરી ફરી આ ગેરકાયદેસર લીઝ ચાલું કરી દેવામાં આવશે !? જે આવનાર સમયમાં ખબર પડશે.