તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોઠલી ખાતે ગેરકાયદેસર ધમધમતી રેતીની લીઝ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડે છે !!
(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર) : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામની સીમમાં ભાવેશ પટેલની લીઝ મંજુર કરવામાં આવેલ છે. પરંતુ હાલમાં કોઠલી ગામની સીમમાંથી ગેરકાયદે રેતી ખનન કરી લાખો રૂપિયાનો સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. ભાવેશ પટેલ પોતાનો હદવિસ્તાર છોડીને ખુબજ મોટા પ્રમાણમાં રેતી ખનન કરવામાં આવે છે. ભાવેશ પટેલની લીઝ પર ગેરકાયદેસર (નાવડીઓ) ચલાવી રહ્યાની રાવ ઉઠી રહી છે. જે અંગેના વિડિઓ અને ફોટો લેવામાં આવેલ છે જેમા એ સ્પષ્ટ દેખાય રહ્યું છે કે પોતાનો હદવિસ્તાર છોડીને રેતી ખનન થઈ રહ્યુ છે. સ્થાનિક અધિકારી અને તાપી જિલ્લાના ખાન-ખનીજ વિભાગના અધિકારીઓ પણ એને નકારી નહીં શકે ? ગોરાસાની સીમમાં લીઝ મંજુર થયેલ છે અને લિઝ ધારક પોતાનો હદવિસ્તાર છોડીને ગેરકાયદેસર રેતી ચોરી કરી રહયા છે. જૂની ગોરાસા ગામમાં ભાવેશ પટેલની લિઝ મંજુર કરવામાં આવેલ છે પરંતુ જેટલી હદમા લિઝ મંજુર કરવામાં આવેલ છે તે હદ વિસ્તાર છોડીને કોઠલી ગામની તાપી નદી તરફથી કોઠલી ગામની સીમ તરફથી રેતી ચોરી કરવામાં આવી રહી છે. હાલમાં તાપી નદીનું પાણી ઘટી જવાથી સ્પષ્ટ દેખાઈ રહયું છે કે કોઠલી ગામની સીમમાં લિઝ હોલ્ડર ભાવેશ પટેલ ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક અધિકારી /તાપી ભૂસ્તર વિભાગના અધિકારીઓ કુંભકર્ણની ઉંઘમાં કેમ ઉંઘી ગયા છે ? એવો પ્રશ્ન લોકોમા ચર્ચાઇ રહ્યો છે. કોઠલી ગામમા નદીના કિનારે લિઝ હોલ્ડર ભાવેશ પટેલની લીઝ પર GPRS રીડિંગ તપાસ કરવામાં આવે તો સ્પષ્ટ દેખાઈ આવશે કે હદવિસ્તારની બહાર (ગેરકાયદેયસર) રેતી ચોરી કરવામાં આવી રહી છે. જ્યાં જુઓ ત્યાંથી રેતી ચોરી થતી હોવાનો ગણગણાટ સાંભળવા મળે છે ત્યારે સ્થાનિક અધિકારીઓ /તાપી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ બાબતે શુ ધ્યાન આપે છે ? તેવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે.
તાપી નદી કિનારે આવેલ કોઠલીમાં હાલ મોટેભાગે રેતી ખનન થઈ રહયુ છે ત્યારે ઘણા રેતી ચોરો વગર પાસ-પરમીટ (રોયલ્ટી વિના) રેતી ચોરી કરી કરોડો રૂપિયોનો સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહયા હોવાની ચર્ચા ચગડોળે ચઢી છે. કેટલાક સ્થળે લીઝ મંજુર કરવામાં આવેલ નથી અને મોટેભાગની લિઝો પોતાના હદવિસ્તાર બહાર ચલાવીને રેતી ચોરી કરી રહયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી બે મહિનામાં તાપી નદીમાં પાણી ઘટવાથી લિઝો ક્યાં આવેલ છે અને ક્યાં ચલાવે છે તે GPRS રીડિંગ દ્વારા ખબર પડે છે. પરંતુ સ્થાનિક અધિકારીઓને અને તાપી જિલ્લાના ભૂસ્તર વિભાગના અધિકારીઓને જાણે કોઈ જાણ ન હોય એવુ લાગે છે. કોઈ વાર તાપી જિલ્લાના ખાણ-ખનીજ વિભાગનું ચેકીંગ આવે ત્યારે પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી લેવાય છે અને નાવડીઓ પોત પોતાના સ્થળે (જગ્યા) પર જતી રહે છે. જેના પરથી એવું પણ સ્પષ્ટ સમજી શકાય છે કે તાપી જિલ્લાની ખાણ-ખનીજ વિભાગના કર્મચારી /અધિકારીઓની આ રેતી ચોરી કરનારાઓ સાથે સાંઠ ગાંઠ હોવી જોઈએ ? જેથી ચેકીંગ આવતા પહેલા જ રેતી ચોરો એલર્ટ થઈ જાય છે. ત્યારે આવા કર્મચારી/અધિકારીઓની બેદરકારીને લીધે સરકારી તિજોરીને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહયું છે. ત્યારે જિલ્લા કલેકટર આ બાબતે યોગ્ય તપાસ કરાવડાવે તો મોટા પ્રમાણમાં કૌભાંડો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.