તાપી જિલ્લામાં આવતા અને છપાતા ચૂંટણી સબંધી ચોપાનીયા, ભીંતપત્રો સહિતના મુદ્રણ અને પ્રકાશન અંગે કેટલાક નિયત્રણો જાહેર કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.19 તાપી જિલ્લામાં આવતા અને છાપકામ અંગેની કામગીરી કરતા તમામ મુદ્રકોને જાણ કરવામાં આવે છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પત્રિકાઓ, પોસ્ટરો વગેરેનું મુદ્રણ અને પ્રકાશન લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૭(ક) ની જોગવાઈઓથી નિયંત્રીત કરવામાં આવેલ છે.
જે મુજબ કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહી અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકાશે નહી તેમજ કોઈપણ વ્યક્તિ ચૂંટણીને લગતાં ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી.
સિવાય કે તેની સહી વાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય એવી બે વ્યક્તિઓએ સહી કરેલ, પ્રકાશનની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ રાજયના પાટનગરમાં છપાયા પછી મુદ્રકે યોગ્ય સમયની અંદર લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગર તથા લખાણ અત્રેના જિલ્લામાં છપાયા પછી મુદ્રકે એક નકલ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી અથવા જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હોય.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૭(ક) ની ઉક્ત પેટા કલમ- (૧) તથા (૨) ની કોઈપણ જોગવાઈઓનો ભંગ કરનાર વ્યક્તિ છ (૬) માસ સુધીની કેદ અથવા બે હજાર રૂપીયા સુધીના દંડની અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે.એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000