સ્ત્રી સશક્તિકરણ કપ : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

Contact News Publisher

ભારતની નારી શક્તિએ વિશ્વને જ્ઞાન અને સામર્થ્યનો પરિચય કરાવ્યો છે : નીતાબેન પટેલ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રવર્તમાન સમયમાં રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આ હકીકતને વેગ આપવા તથા મહિલા ઉત્થાન અને સન્માનનાં શુભ હેતુસર સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓલપાડ તાલુકાનાં માસમા ગામ સ્થિત HNV ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
Inspire Inclusion થીમ સાથે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો. ‘સ્ત્રી સશક્તિકરણ કપ – 2024’ નામક આ ટુર્નામેન્ટમાં માંગરોલ, પલસાણા, ઉમરપાડા, ઓલપાડ, મહુવા, કામરેજ એમ કુલ છ તાલુકાની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનું ઉદ્દઘાટન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઇ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહિલા ઉપપ્રમુખ રીના રોઝલીનનાં સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયતનાં પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલ, ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, સામાજિક અગ્રણીઓ પ્રિતેશભાઈ પટેલ અને યોગેશભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, ધીરુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ ઠાકોર, જાગૃતિબેન પટેલ સહિતનાં જિલ્લા તથા તાલુકા સંઘનાં હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
સમાપન સમારોહમાં ઉપસ્થિત ઉપપ્રમુખ કિરણભાઇ પટેલે મહેમાનો, ખેલાડીઓ તથા દર્શકો સંબોધતા જણાવ્યું હતું કે વર્ષોથી સામાજિક, ધાર્મિક તેમજ અન્ય દબાણો વચ્ચે ઘેરાયેલી સ્ત્રી આજે નવી કેડી કંડારીને સ્વતંત્રતા, સમાનતા અને વિકાસનાં આકાશમાં ઉડાન ભરી રહી છે. નારી શક્તિએ હરહંમેશ નીતિ અને સામર્થ્ય વડે સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં પરાક્રમ, બલિદાન અને શૌર્યથી ભારતીય ઇતિહાસને સુવર્ણ અક્ષરે અંકિત કર્યો છે જે જગજાહેર છે.
આ પ્રસંગે તાલુકા પંચાયતનાં પ્રમુખ નીતાબેન પટેલે પોતાનાં ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં મહિલાઓનું દરેક ક્ષેત્રે સશક્તિકરણ કરવાનાં પ્રયત્નો થઇ રહ્યા છે. તેમને સમાનતા, સ્વાયત્તતા અને સન્માન જેવાં અધિકારોથી સંપન્ન બનાવવાની શરૂઆત કુટુંબ, શાળા અને સમાજથી કરવી જોઈએ.
આ ટૂર્નામેન્ટમાં તમામ લીગ મેચોનાં અંતે પ્રથમ સેમીફાઇનલ ઉમરપાડા અને માંગરોલ વચ્ચે રમાઇ હતી, જેમાં ઉમરપાડાની ટીમ વિજેતા બની હતી. જયારે બીજી સેમીફાઇનલ ઓલપાડ અને કામરેજ વચ્ચે રમાઇ હતી, જેમાં ઓલપાડની ટીમ વિજેતા બની હતી. અંતમાં ફાઇનલ મેચ ઓલપાડ અને ઉમરપાડા વચ્ચે રમાઇ હતી. ઉમરપાડાની ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 8 ઓવરમાં 2 વિકેટે 51 રન કર્યા હતાં. જે ટાર્ગેટ ઓલપાડની ટીમે 4 ઓવરમાં 1 વિકેટે પાર પાડ્યો હતો. આમ ઓલપાડની ટીમનો 9 વિકેટે ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર તરીકે રીના વસાવા (ઉમરપાડા), બેસ્ટ બેટ્સવુમન તરીકે તન્વી પટેલ (ઓલપાડ) જ્યારે વુમન ઓફ ધ સીરીઝનો ખિતાબ નેહલ મહિડા (ઓલપાડ)એ મેળવ્યો હતો. ચેમ્પિયન ટીમ તથા રનર્સઅપ ટીમને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટ વિવિધ મેચોમાં અમ્પાયર તરીકે જય પટેલ, વિવેક બુટવાલા, પરેશ પટેલ, બલવંત આહિરે ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. કોમેન્ટરર તરીકે દિનેશ સોલંકી (ખોલવડ) તથા અશોક પટેલે (કીમ) સેવા આપી હતી. અંતમાં સૌ મહિલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કરતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે આવનારા દિવસોમાં પણ આજ રીતે આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રે પડકારો ઝીલવા આહવાન કર્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *