બારડોલીની બાબેન પ્રાથમિક શાળા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ‘પરાક્રમ દિવસ’ ની ઉજવણીનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ તથા શિક્ષણ સમિતિનાં ચેરમેન શ્રીમતી ભારતીબેન રાઠોડનાં અતિથિ વિશેષપદે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ સમિતિનાં સદસ્ય પ્રેમકુમાર ગોસ્વામી તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે નેતાજીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. એમ. પટેલે સ્વાગત પ્રવચન કરી નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જીવન પ્રસંગોની ઝાંખી કરાવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે સ્વભંડોળમાં શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ લાભ માટે આગામી બજેટમાં જોગવાઈ કરવાની ખાતરી આપી હતી. આ તકે જિલ્લાની તમામ કેન્દ્ર શાળાઓને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી.
અંતમાં બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળવંતભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકેની સેવા આફવા પ્રાથમિક શાળાનાં શૈલેષભાઈ પટેલે આપી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.