‘સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’ થીમ આધારિત ઓલપાડ તાલુકાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યું
આધુનિક યુગમાં આપણી દશા અને દિશા બદલવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે વિજ્ઞાન : તા.પં. સદસ્ય વનરાજસિંહ બારડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ઓલપાડ-કીમ રોડ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટી, અણીતા ખાતે કરવામાં આવ્યું હતું.
ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, શાસકપક્ષનાં નેતા જિજ્ઞેશભાઈ પટેલ, તાલુકા પંચાયતનાં માજી પ્રમુખ અમિતભાઈ પટેલ, તાલુકા પંચાયતનાં સભ્ય વનરાજસિંહ બારડ, તાલુકા વિકાસ અધિકારી હાર્દિક એમ. ગઢવી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં લાયઝન ઓફિસર ગીતાબેન વાંસીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, વિદ્યાદીપ યુનિવર્સિટીનાં ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર મુકુંદભાઈ પટેલ, આચાર્ય જિજ્ઞાશાબેન દેસાઈ, ઈન્ચાર્જ આચાર્ય પ્રિતેશભાઈ રોહિત, અણીતા ગામનાં સરપંચ રમેશભાઈ ચૌહાણ ઉપરાંત તાલુકાની વિવિધ શાળાઓમાં કાર્યરત વિજ્ઞાન-ગણિત વિષયનાં શિક્ષક ભાઈ-બહેનો તેમજ બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહયાં હતાં.
ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પ્રસ્તૃત કાર્યક્રમનો ચિતાર આપી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હાર્દિક એમ. ગઢવી સહિત મંચસ્થ મહાનુભવોએ પોતપોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં કાર્યક્મમાં ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો તથા તેમનાં માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.
‘સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી’ આ મુખ્ય વિષય પર યોજાયેલ પ્રદર્શનનાં વિવિધ પાંચ વિભાગોમાં કુલ 55 જેટલી કૃતિઓ તાલુકાની વિવિધ શાળાનાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. વિભાગવાર પાંચ કૃતિઓ નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી. જે આ મુજબ છે. વિભાગ-1 મીલેટ્સ ધ સુપર ફૂડ (પરીયા પ્રાથમિક શાળા), વિભાગ-2 રીવોલ્વિંગ ગેટની મદદથી વીજળી (પારડીઝાંખરી પ્રાથમિક શાળા), વિભાગ-3 આધુનિક એગ્રીકલ્ચર સીસ્ટમ (કીમ પ્રાથમિક શાળા), વિભાગ-4 ઓટોમેટીક રેલ્વે ફાટક (ઓલપાડ બ્રાંચ પ્રાથમિક શાળા) તથા વિભાગ-5 મેથ્સ સીટી (દિહેણ પ્રાથમિક શાળા). આ તકે નિર્ણાયકોએ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ભાગ લેનાર તમામ શાળાઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનાં ઉદ્દઘોષક તરીકે સીથાણનાં સી.આર.સી. કો.ઓર્ડિનેટર રાકેશભાઈ મહેતાએ સેવા બજાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમનાં કન્વીનર મિતેશ પટેલ, કીમનાં માજી સી.આર.સી. કો.ઓર્ડિનેટર આકાશ પટેલ, કેન્દ્રશિક્ષક દિનેશ પટેલ તથા વિદ્યાદીપ યુનિવર્સિટીનાં સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે આટોપી હતી.