કુકરમુંડા નિઝર તાપી કિનારે ગેરકાયદેસર રેતી ખનન માફીઆઓ સક્રિય : ભૂસ્તર વિભાગ કુંભકરણની નિંદ્રામાં !!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લા માં સમાવિષ્ટ નિઝર કુકરમુંડા હદ વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી કિનારે લિઝ ધારકો દ્વારા તમામ નીતિ નિયમોને નેવી મૂકી બિન રોકટોક નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યુ છે. કાયદેસર લિઝ મંજૂરી હોય તે જગ્યા છોડી અન્ય જગ્યા ઉપર થી ગેરકાયદેસર મોટા પ્રમાણમાં રેતી ખનન કરી ટ્રકોમાં અવરલોડ રેતી ભરી મહારાષ્ટ્ર બોર્ડર નજીક હોય નંદુરબાર, ધુલિયા,જલગાવ, નંદુરબાર વગેરે શહેરોમાં રેતી સપ્લાય મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યુ હોવાનો જાણવા મળે છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાની હદ વિસ્તારમાં આવેલ નિઝર કુકરમુંડા તાલુકાની હદ માંથી પસાર થતી તાપી નદી કિનારે કાયદેસરના લિઝ પટ્ટામાંથી રહેતી નિર્ધારિત જગ્યામાંથી રેતી ખનન કરવાના બદલે આ લિઝ ધારકો આસપાસની જગ્યામાંથી ગેરકાયદેસર મોટા પ્રમાણમાં રેતી ખનન કરી રહ્યા હોવાના સમાચાર સમય અંતરે પ્રકાશિત થાય છે. ત્યારે તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ ખાણ ખનીજના અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી સબ સલામતની બાંક પોકારતા રહે છે. તાપી કિનારે કેટલાક લિઝ ધારકોમા તાપી જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારીઓનો કોઈ ડર ન હોય તેમ મીઠી રહેમ નજર હેઠળ રેતી ખનન માફીયાઓને દૂધ ખીરના જલસા થઈ રહ્યા છે અને જિલ્લા ભૂસ્તર અધિકારીઓને મલાઈ લેવામાં જ રસ હોય રેતી ખનન માફિયા ઉપર કાર્યવાહી કરવામાં બિલકુલ રસ નથી ? મોટા પ્રમાણમાં લિઝ ઉપર નિયમોની ઐસીતૈસી કરી આડેધડ રેતી ચોરીને મહારાષ્ટ્ર અને ગુજરાત ના શહેરોમાં વેચાણ કરી સરકારી તિજોરી ને કરોડોનો ચૂનો ચોપડવામા આવી રહ્યો છે. રેતી ખનન માફિયાઓની રોયલ્ટી વગર બેફામ દોડતી અવરલોડ ટ્રકો રસ્તા પર જોવા મળે છે પરંતુ સ્થાનિક અધિકારીઓને અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી કુંભકરણની નિંદ્રામાં ઊંઘી રહ્યા હોય તેમ છડે ચોક ચર્ચાનો વિષય બન્યો છે.
જવાબદાર અધિકારી અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવે છે પરંતુ ગેરકાયદેસર રેતિ ખનન કરનારા માફિયા પકડાતા નથી ? શું અધિકારીઓની રેતી ખનન માફિયા દ્વારા ટકાવારી નક્કી કરી હશે ?! કહેવાય છે કે, રેતી ખનન માફિયાઓ દ્વારા સ્થાનિક અધિકારી અને જિલ્લા ભૂસ્તર વિભાગની ગાડી કચેરીથી નીકળે ત્યારે કચેરીના આસપાસ ફોલ્ડરીયાઓની એક જમાત હાજર હોય છે તે ગાડી કયા રૂટ પર રવાના થઈ છે અને કયા નંબરની ગાડી છે તેવી વિગતો લિઝ ધારોકોના whatsapp ગ્રુપ માં મેસેજ છોડવામાં આવે છે જેથી ગેરકાયદેસર રેતી ખનન માફિયા જે તે રૂટ પર નીકળેલી અવલોક ટ્રક, હાઈવા વગેરે વાહનોને દિશાનિર્દેશ લોકેશન આપતા હોવાની ચર્ચા ચકડોળે ચઢી છે. મોટા પ્રમાણમાં રેતી ખનન કરી ચોરી થઈ રહી હોય સરકારી તિજોરી ને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે જવાબદાર અધિકારીઓ મૌન સેવી બેઠા છે. ગેરકાયદેસર રેતી માફિયા અને ઓવરલોડ ટ્રકો હાઇવે તેમજ ગામડાના અન્ય ચોર રસ્તાઓથી પંકાયેલા રસ્તાઓ પર સધન તપાસ કરવામા આવે તો સરકારી તિજોરીને કરોડો રૂપિયાની આવક થાય તેમ છે ત્યારે જવું રહ્યું કે, સ્થાનિક અધિકારી અને જિલ્લા ભૂસ્તર અધિકારી, ખાણ ખનીજ વિભાગ ગેરકાયદેસર રેતી ખનન માફિયાઓ ઉપર લગામ લગાવશે કે પછી સબ સલામતની બાંગ પોકારતા રહેશે.