આગામી 14મી ઓક્ટોબરે મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લાથી ગરીબ કલ્યાણ મેળા-2022નો શુભારંભ કરાવશે
ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અને ડેટા એન્ટ્રીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી
………….
(માહિતી બ્યુરોઃ તાપી) તા.29: આગામી 14 અને 15 ઓક્ટોબર-2022ના રોજ રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળોઓ યોજાનાર છે. જેમાં તા. 14મી ઓક્ટોબરે તાપી જિલ્લાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળા-2022નો પ્રારંભ કરવામાં આવનાર છે. જે અન્વયે ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અને ડેટા એન્ટ્રીની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા અને જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ તાપી જિલ્લાના લાભાર્થીઓની વિભાગ અનુસાર થયેલ ડેટા એન્ટ્રી અંગે સમિક્ષા કરી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો કાર્યક્રમ તાપી જિલ્લામાં પ્રારંભ થનાર હોય તમામ વિભાગોને જવાબદારી પૂર્વક અને સમયમર્યાદામાં કામગીરી પુરી કરવા તાકીદ કરી હતી. તેમણે ટુલ કિટ્સ અને ચેકનું વિતરણ માટે લાભાર્થીઓનું ડ્યુપ્લીકેશન ન થાય તેની તકેદારી રાખવા ખાસ જણાવ્યું હતું. કાર્યક્રમના સ્થળે મહાનુભાવો, મીડિયા તથા લાભાર્થીઓની બેઠક વ્યવસ્થા, પાર્કીંગ, મહાનુભાવોના ભોજન-પાણી સહિત લાભાર્થઓના ફુડ પેકેટની વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે સ્થળ મેડિકલ ટીમ, નોડલ ઓફિસર વગેરેની વિગતવાર માહિતી મેળવી હતી. અંતે તાપી જિલ્લામાં સંપુર્ણ કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થાય તેના માટે તમામ સક્રિય પ્રયાસ હાથ ધરવા માર્ગદર્શન આપ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ સંબંધિત વિભાગના લાભાર્થીઓની સંખ્યા, યોજનાકિય લાભો તથા સ્ટેજ અને મેળા દરમિયાન વિતરણ કરવાના સાધન સહાય, પ્રદર્શન સ્ટોલ અંગે કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. વધુમાં તેમણે વિભાગ અનુસાર મળનાર ટુલ કિટસ અને લાભાર્થીઓને લાવવા-લઇ જવા અંગે જરૂરી સુચનાઓ આપી હતી.
જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલે કાર્યક્રમના સ્થળે કાયદો અને વ્યવ્સ્થા જળવાઇ રહે તથા આવનાર સમયમાં ચૂંટણી યોજાનાર હોઇ કોઇ પણ અણબનાવ વિના કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્ત અને જરૂરી આનુસાંગિક વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે લાભાર્થીઓ સંબંધિત અને ટ્રાફિક ડાયર્વઝનના જાહેરનામા અંગે ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણની યોજનાઓનો સીધો લાભ જરૂરિયાતમંદોને આપવા માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના ગરીબ કલ્યાણ મેળો તા.૧૪-૧૦-૨૨ના રોજ તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, અમરેલી, આણંદ, પાટણ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ મહાનગરપાલિકા અને રાજકોટ મહાનગરપાલિકા ખાતે યોજાનાર છે.
આ બેઠકમાં બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, પ્રાંત અધિકારી વ્યારા આર.સી.પટેલ, નાયબ ડી.ડી.ઓ આર એચ. રાઠવા, પ્રાયોજના વહિવટદાર સુશ્રી અંકિતા પરમાર, પીઓ કમ ટીડીઓ દિપ્તિ રાઠોડ, નાયબ કલેક્ટર તૃપ્તિ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000000000