જુના આમોદા ગામની સિમમાં આવેલ તાપી નદીના પાણીમાં અજાણ્યા પુરૂષની લાશ મળી આવી
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજ રોજ સવારે કુકરમુંડા તાલુકાના જુના આમોદા ગામની સિમમાં આવેલ તાપી નદીના પાણીમાં કેટલાક સ્થાનિક માછીમારો અને સ્થાનિક ખેડૂતો પોતાના કામકાજ અર્થે ગયા હતા. ત્યારે તાપી નદીના પાણીમાં એક અજાણી વ્યક્તિની લાશ જોવા મળી હતી. સ્થાનિકો દ્વારા કુકરમુંડા આઉટ પોસ્ટ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કુકરમુંડા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ મળી આવેલ લાશ જે વ્યક્તિની ઉંમર આશરે ૪૦ થી ૪૫ વર્ષની હશે. તેમજ આ લાશ આશરે ૫ થી ૭ દિવસ અગાઉની લાગી રહી છે. જેને શરીરે પહેરેલા કપડા ફાટી ગયા છે. અને સ્કાય બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ કમરે લાલ કલરની દોરો બાંધેલ છે. તેમજ જમણા હાથે લાલ, પીળા અને કાળા કલરના રાખડી જેવા દોરા બાંધેલ છે. જેના વાલી વારસોની હાલ કોઈ જાણ મળેલ નથી. જેથી જેમને પણ આ વ્યક્તિના વાલી વારસો અંગે માહિતી હોય તો આપેલ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે. કુકરમુંડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન મો. ૮૯૮૦૮૭૮૩૩૩
