સુરતના સચિન વિસ્તારમાં બે ભાઈ પર ચાકુથી હુમલો, એકનું મોત
(દિપા મોરે દ્વારા, સુરત) : શહેરના સચિન વિસ્તારમાં આવેલ સાઈનગર સોસાયટીમાં બે પડોશીઓ વચ્ચે કોઈક વાતને લઈને ઝઘડો થયો હતો. જોકે આ ઝઘડામાં સમાધાન માટે બે ભાઈઓએ પરિવાર સાથે મળી ઝઘડો કરનાર વ્યક્તિ પાસે સમાધાન કરવા જતાં ફરીથી બોલાચાલી બાદ ઝપાઝપી થઇ હતી. ઝપાઝપીમાં ઝઘડો કરનાર વ્યક્તિએ બે ભાઈઓને ચાકુના ઘા માર્યા હતાં. તેમાં એક ભાઈનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું (Murder ) જ્યારે બીજા ભાઈને પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હત્યાની જાણ સચિન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સચિન પોલીસ સ્ટેશનનો પીઆઇ સહિત કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પાડોશીઓ સાથેની અંગત તકરાર
આ ઘટના સંદર્ભે સામે આવતી જાણકારી પ્રમાણે પાડોશી અને અરસપરસ સગાં પણ થતાં આરોપી અને મૃતક ભાઈઓ વચ્ચે પારિવારિક કલહ આગલી રાત્રે થયો હતો જેને લઇને મૃતકના ફોઇનો દીકરો એવા આરોપીએ ચાકુના ઘા માર્યાં હોવાનું જાણવા મળે છે.આ ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.
ગઇકાલે મોડી રાત્રે પડોશીઓ સાથે થયેલા ઝઘડામાં બે ભાઇઓ પૈકી એક ભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતક જેનું નામ દિલબહાર સૌકત અલી છે. બે વર્ષ પહેલા જ પોતાના વતન ઉત્તરપ્રદેશમાં આવેલ અલાહાબાદના હનુમાનગન્જથી સુરત રોજગારી માટે આવ્યો હતો. રોજગારી મેળવી પરિવારને આર્થિક મદદ કરતો હતો. જોકે આ પરિવાર એક જ સોસાયટીમાં રહેતો હોવાથી અવારનવાર એકબીજાને મદદગાર બની રહેતાં હતાં.
પોલીસે હત્યા અંગે વધુ તપાસ હાથ ધરી
સચિન પોલીસ દ્વારા જણાવાયું કે ગઈકાલે રાતે 10 વાગ્યાની આસપાસ આ પ્રકારની હત્યાની (Murder )જાણ થતાં બે PCR અને સર્વલેન્સ સ્ટાફ ઘટનાસ્થળે પહોચ્યાં હતાં. જોકે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઈ છે. પણ હાલ પૂછપરછમાં હત્યા મામલે અલગ-અલગ જવાબ મળી રહ્યાં છે. આગળ તપાસ કરતાં સત્ય હકીકત જાણવા મળશે. હાલ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.