કલેકટર એચ.કે. વઢવાણિયાના હસ્તે તાપી જિલ્લાના અનાથ-નિરાધાર બાળકોને “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” હેઠળ નાણાકીય સહાયના મંજુરી પત્રો અર્પણ કરાયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) 07 : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષસ્થામાં ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કોરોનામાં અનાથ-નિરાધાર થયેલ બાળકોને રૂ.૪ હજારની ઓનલાઇન સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર એચ.કે.વઢવાણિયાના હસ્તે કોરોનોમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર કુલ-૧૭ બાળકો પૈકી આજે ૦૯ બાળકોને નાણાકીય સહાયના મંજુરી પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ પ્રત્યેક બાળકને માસિક રૂ.૪૦૦૦ની સહાય બાળકોના બેંક એકાઉન્ટમાં જમા થશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ સમયે એવા બાળકો જેમણે માતા-પિતા બન્નેને ગુમાવ્યા છે તેઓનુ ભવિષ્ય અંધકારમય ના બને તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કાળમાં અનાથ બનેલ બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને માસિક રૂ.૪૦૦૦ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, માતા-પિતાની ખોટ કોઇ ના પુરી શકે પરંતું મુખ્યમંત્રી બાલ સેવા યોજના દ્વારા સરકારે બાળકોના ભવિષ્ય માટે આર્થિક ખોટ પુરવાનો પ્રયાસ કર્યો છે. આ સહાય બાળકોના ઉછેરમાં મદદરૂપ બનશે તેમ જણાવી તેમણે કોરોના કાળમાં નિરાધાર બનેલ બાળકોને સતત મદદરૂપ બનવાને ખાત્રી આપી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦