ઉમરપાડાના શરદા ગામે ખેતરમાં તૂટી પડેલ જીવંત વીજ વાયર પર પગ પડતા ૬ વર્ષની બાળકીનું કરુણ મોત
રમતી રમતી બાળા ખેતરમાં પહોંચી ગઈ અને જીવંત વાયર ઉપર પગ પડતાં મોતને ભેટી.
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ઉમરપાડા તાલુકાના શરદા ગામે વાવાઝોડા દરમિયાન ખેતરમાં તૂટી પડેલ જીવંત વીજ વાયર પર છ વર્ષની બાળકીનો પગ પડતાં વીજ કરંટ લાગવાથી બાળકીનું સ્થળ ઉપર કરૂણ મોત નિપજયું હતું. શરદા ગામના ખેડૂત દિલીપભાઈ વસાવા પોતાના ખેતરમાં જ ઘર બનાવીને વસવાટ કરે છે. બપોરે ફુંકાયેલા વાવાઝોડા દરમિયાન શરદા ગામની સીમમાં વીજ લાઈન ઉપર તોતિંગ વૃક્ષ પડતા વીજ વાયરો નીચે પડી ગયા હતા. જીવંત વીજ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ હતો આ સમયે ખેતરમાં જ ઘર બનાવીને રહેતા ખેડૂત પરિવારની દીકરી કિંજલબેન દિલીપભાઈ વસાવા (ઉં.વ.6) રમતી રમતી ખેતરમાં પહોંચી હતી ત્યારે 6 વર્ષીય કિંજલનો પગ ભૂલમાં જીવંત વીજ વાયર પર પડી જતાં વીજ કરંટ લાગવાથી કિંજલ નું કરૂણ મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ તેના માતા પિતા અને પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. પરિવાર દ્વારા ઉમરપાડા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
1 thought on “ઉમરપાડાના શરદા ગામે ખેતરમાં તૂટી પડેલ જીવંત વીજ વાયર પર પગ પડતા ૬ વર્ષની બાળકીનું કરુણ મોત”