વનમંત્રીની પ્રેસ કોન્ફરન્સ : મીડિયાને કોવિડ કામગીરીની વિગતો આપી
સુરત શહેરમાં કાર્યરત ૨૩૭ અને ગ્રામ્યમાં ૩૯ ધન્વંતરિ રથોથી સર્વેલન્સ અને પ્રાથમિક સારવાર સેવાને વધુ વ્યાપક બનાવવામાં આવી છે
રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી સુરતને વધુ ઓક્સિજન પુરવઠો મળે તેવા સતત પ્રયાસો કરાઈ રહ્યાં છે
કોરોનાનું સંક્રમણ અટકાવવાં રાજ્ય સરકાર પ્રથમ ફેઝથી જ અનેકવિધ આરોગ્યલક્ષી પગલાઓ લઈને રાજ્યને કોરોના સંકટથી બચાવવા પ્રયાસરત : વનમંત્રી ગણપતસિંહ વસાવા
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : વન, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે પ્રવર્તમાન કોવિડ-૧૯ની સ્થિતિ અને આરોગ્યતંત્રની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેક્શન સહિતના ઉપલબ્ધ સંસાધનોના સુનિયોજીત ઉપયોગ દ્વારા શહેર-જિલ્લાના તમામ નાગરિકોને સમયસર સારવાર ઉપલબ્ધ થાય ઉપરાંત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ઉપયુક્ત સારવાર મળે તે માટે કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ અટકાવવાં રાજ્ય સરકારે પ્રથમ ફેઝથી જ અનેકવિધ આરોગ્યલક્ષી પગલાઓ લઈને લોકોને કોરોનામુક્ત રાખવા તેમજ સારવાર ઉપલબ્ધ કરવાં પ્રમાણિક પ્રયાસો કર્યા છે.
સુરત શહેરમાં કાર્યરત ૨૩૭ અને ગ્રામ્યમાં ૩૯ ધન્વંતરિ રથોથી સર્વેલન્સ અને પ્રાથમિક સારવારને વધુ વ્યાપક બનાવવામાં આવી છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે ધન્વંતરિ રથ સેવાથી કોરોના સંક્રમણને આગળ વધતા અટકાવવામાં ખુબ મદદ મળી રહી છે, આ ઉપરાંત લોકોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સેવા મળી રહી છે, જેથી આ સેવાને વધુ વ્યાપક અને અવિરતપણે જારી રાખવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયાએ ગ્રામ્ય વિસ્તાર અને મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ શહેરી વિસ્તારની કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાં અને દર્દીઓની સારવાર સુવિધાઓ અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપીને માહિતગાર કર્યા હતાં. જેમાં તેમણે શહેર પ્રશાસન અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં લાવવા અને લેવામાં આવી રહેલા પગલા, ડોર-ટુ-ડોર સર્વેલન્સ, ટેસ્ટીંગ, રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનની ફાળવણીની વ્યવસ્થા સહિતની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. સુરતને ઓકિસજનનો જરૂરિયાત મુજબનો પુરવઠો મળી રહે તેવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે.
શ્રી વસાવાએ જણાવ્યું કે, રાજ્યના સ્થાપના દિવસ ૧લી મે થી ૧૫ મે સુધી રાજ્યના ૧૮ હજાર ગામોમાં કોરોના સામેની લડતને સફળ બનાવવા અને જનજાગૃત્તિથી કોરોના સંક્રમણથી મુક્ત રાખવા ‘મારૂ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ કરાશે. આ અભિયાન હેઠળ ગામોમાં શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતાં ગ્રામજનોને ગામની વાડી, કોમ્યુનિટી હોલ કે પ્રાથમિક શાળાઓમાં આઈસોલેટ કરવામાં આવશે અને સારવાર આપવામાં આવશે. ગામના સરપંચ, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના સહયોગથી સતર્કતા, જવાબદારી અને સહિયારા પુરૂષાર્થથી કોરોનાને નાથવાના પ્રયાસો કરવામાં આવશે, જેથી જિલ્લા આરોગ્ય તંત્ર આ અભિયાનને ઘર ઘર સુધી લઈ જઈને લોકજાગૃત્તિ કેળવશે અને ગ્રામ્ય સ્તરે જ સારવાર અને આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરશે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં ખાસ ફરજ પરના અધિકારીશ્રી એમ.થેન્નારસન, જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, DGVCLના એમ.ડી. અને ખાસ ફરજ પરના અધિકારીશ્રી યોગેશ ચૌધરી, ડે.મ્યુ.કમિશનરશ્રી રવિન્દ્ર ખટાલે, નાયબ વનસંરક્ષક અને સ્મીમેરના કોવિડ-૧૯ નોડલ ઓફિસરશ્રી પુનિત નૈયર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી હસમુખ ચૌધરી સહિત આરોગ્ય તંત્ર અને સ્થાનિક પ્રશાસન અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને કોવિડ-૧૯ની વિગતો આપતા વન, આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના વધતા જતા કહેરની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા તથા જરૂરી સગવડો ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર સાથે મળીને તમામ સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના ૧૦૦૦૧૩ કેસો નોંધાયા છે. જેમાં ૮૮૯૯૭ સ્વસ્થ થઈ ચુકયા છે. જયારે ૨૨૩૦૫ કેસો એકટીવ છે અને ૧૮૩૫૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.
સુરત શહેરમાં દરરોજ ૩૦ હજાર અને જિલ્લામાં ૫૦૦૦ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. જયારે દરરોજ ૩૮૦૦ જેટલા રેમડિસીવીર ઈન્જેકશનોની ફાળવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હાલમાં દેશના પાંચ રાજયો ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યા છે. જેનું સમગ્ર નિયંત્રણ કેન્દ્ર સરકાર કરી રહી છે. ગુજરાતમાં એક હજાર ટન ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે. જેથી ઓક્સિજનની મર્યાદાના કારણે હાલ નવી સિવિલ હોસ્પિટલને ૪૬ ટન અને સ્મિમેરને ૨૫ ટનની ફાળવણી કરવામાં આવે છે. સમગ્ર વહીવટીતંત્ર પ્રજાની સુખાકારી માટે પ્રયાસરત હોવાનું જણાવીને કોરોના નિયંત્રણ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગયા વર્ષની લહેરમાં શહેર-જિલ્લામાં ૪૪૨ વેન્ટીલેટર બેડ હતા જે વધારીને હાલમાં ૧૨૨૨ જેટલા કરવામાં આવ્યા છે. જયારે ગુજરાતમાં એક કરોડના વેકસીનેશનની સામે સુરત શહેર-જિલ્લામાં નવ લાખ જેટલું વેકિસનેશન થઈ ચુકયું છે. તેમણે કહ્યું કે, હાલમાં સિવિલમાં રોજના ત્રણ ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જયારે બે દિવસ બાદ સ્મિમેરમાં એક ટન અને પછીના સમયમાં વધુ બે ટનનું ઉત્પાદન થાય તે પ્રકારની કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.