એન.સી.ઈ.આર.ટી. નવીદિલ્હી આયોજીત ‘રમકડાં મેળા’માં ઓલપાડ તાલુકાની એરથાણ પ્રાથમિક શાળાની ઝળહળતી સિધ્ધિ : શાળાની કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ): બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી કાપડ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડાં મેળાનું સી.આર.સી. કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા તથા રાજ્ય કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. એન.સી.ઇ.આર.ટી. નવી દિલ્હીના સંદર્ભ પત્ર અન્વયે સમગ્ર રમકડાં મેળાનું આયોજન વર્ચ્યુઅલ મોડથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.
ઓલપાડના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે આ રમકડા મેળાના આયોજન પાછળ બાળકોને તેમની પ્રાકૃતિક જિજ્ઞાસા, સર્જનાત્મકતા, નવીનતા અને સંશોધન ક્ષમતા અભિવ્યક્ત કરવા માટે મંચ પ્રદાન કરવાનો શુભ હેતુ રહેલો છે. આ રમકડાં મેળાનું આયોજન (૧) પાયાના તબક્કા, (૨) પ્રાથમિક, (૩) ઉચ્ચ પ્રાથમિક, (૪) માધ્યમિક, (૫) ઉચ્ચતર માધ્યમિક એમ કુલ પાંચ વિભાગોમાં કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર સહિતની જિલ્લાભરની ગ્રામ્ય શાળાઓએ સહર્ષ ભાગ લીધો હતો.
સદર મેળામાં ઓલપાડ તાલુકાનાં સીથાણ કેન્દ્રમાં સમાવિષ્ટ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત એરથાણ પ્રાથમિક શાળાએ વિભાગ – પ્રાથમિક (ધોરણ-૩ થી ૫) માં સી.આર.સી. કક્ષા તથા તાલુકા કક્ષાએ વિજેતા બની જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. આ કૃતિના રજૂકર્તા એવા શાળાના ખૂબ જ ઉત્સાહી, મહેનતું, ક્રિયાશીલ, કર્મશીલ, બાળક તથા સમાજના હિતેચ્છુ એવા શાળાના આચાર્ય અશ્વિનભાઈ મગનભાઈ પટેલે સૌની અપેક્ષા અનુસાર પોતાની બહુહેતુક કૃતિ ‘રમકડાં ગાડી’ ને આ આ મેળામાં રજૂ કરીને સૌને દંગ કરી દીધા હતા. ધોરણ- ૩ થી ૫ ના ગણિત વિષયના તમામ એકમોની સરળ ભાષામાં સમજ તથા તેનો બાળકો દ્વારા ઉપયોગ, ગાડી સાથે જોડાયેલ વિવિધ શૈક્ષણિક રમતો, બાળકોની તર્કશક્તિ અને અવલોકનશક્તિનો સહજ વિકાસ ઉપરાંત બાળકો રમતા-રમતા ગણિતની અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ કરે એવા આબેહૂબ દેશી આયોજન થકી બનાવેલ આ શૈક્ષણિક ‘રમકડા ગાડી’ જિલ્લા કક્ષાએ વિજેતા બની સડસડાટ રાજ્યકક્ષા સુધી પહોંચીને શાળા, ગામ, તાલુકા તથા જિલ્લાને ગૌરવ પ્રદાન કરેલ છે. શાળાની આ મોંઘેરી સિદ્ધિ બદલ સમસ્ત શિક્ષક આલમે અભિનંદનનો ધોધ વરસાવ્યો હતો.
ટચૂકડા એરથાણ ગામની પ્રાથમિક શાળાની આ કૃતિ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાના ‘રમકડાં મેળા’ માં (પ્રાથમિક વિભાગ : ધોરણ- ૩ થી ૫) ભાગ લઇ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.