તાપી જિલ્લામાં કોરોના મહામારીને નાથવા મહારસીકરણનો પ્રારંભ કરાયો
જનરલ હોસ્પિટલ વ્યારાના RMO ડો. સુહાસભાઈ પટેલે પ્રથમ ડોઝ ઉત્સાહભેર લીધો જ્યારે મહિલાઓમાં સૌપ્રથમ ડો. કુંજન ચૌધરીએ ગૌરવભેર રસી લઈ સૌને પ્રેરિત કર્યા..
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૧૬- પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા રસીકરણની શરૂઆત કરી હતી. શનિવાર તા.16/01/2021એ દેશભરના જૂદા જૂદા આરોગ્ય સેન્ટર પર કોરોના વેક્સિનના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે તાપી જિલ્લામાં પણ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોરોના પર અંતિમ વાર કરવા માટે જિલ્લાના જનરલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ડોક્ટર, આરોગ્યકર્મીઓ સહિત કોરોના વોરિયર્સને પણ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જે કોરોના મહામારી સામે રક્ષાકવચ સમાન છે.
સમગ્ર દેશમાં કોરોનામાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી મળ્યા બાદ શનિવારે લોન્ચિંગ થયુ હતું. તાપી જિલ્લાના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ અધ્યક્ષ સ્થાનેથી રસીકરણનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, દેશના લોકલાડિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આખા દેશમાં કોરોના વેક્સિનની શરૂઆત આજથી કરવામાં આવી રહી છે. કોવિડની જે રસી છે જે આપણા દેશના વૈજ્ઞાનિકો અને રિસર્ચ સેન્ટર તથા કેન્દ્ર સરકારના પુરતા સહયોગથી ટૂંકા સમયગાળામાં આપણા દેશના ગૌરવ સમાન વૈજ્ઞાનિકોએ ખૂબ જ મહેનતથી આ રસી બનાવી છે. આ રસીકરણ સમયે આજે તાપી જિલ્લાના આ જનરલ હોસ્પિટલ ખાતે અહીં તાપી જિલ્લાની સુખાકારી માટે જે આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સ્ટાફનર્સ સહિત તમામ કર્મીઓએ કોરોના મહામારી દરમિયાન પોતાની પરવાહ કર્યા વગર પોતાની ફરજ બજાવી છે તેવા 100 જેટલા લોકોને રસી આપવામાં આવશે. વધુમાં તેમણે ગભરાયા વગર અને ખોટી અફવાઓથી ભ્રમિત ન થઈ વેક્સિન લેવા સૂચનો આપ્યા હતાં. વધુમાં તેમણે જણાવ્યું કે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા પૂણેથી જે રસી તૈયાર થઈ છે તે ગુજરાતના ફાળે પણ ફાળવવામાં આવી છે અને આજના દિવસે થયેલ શુભારંભ તમામ ગુજરાતીઓ અને ભારતીયો માટે આશિર્વાદરૂપ બની રહેશે. સાથે જ તાપી જિલ્લા કલેક્ટરશ્રી આર.જે. હાલાણીએ પણ વેક્સિનેશન માટે શહેરના લોકોને ભ્રમિત થવાની કે અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
હોસ્પિટલના સિવિલ સર્જન ડો.નૈતિક ચૌધરીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ ડોકટરથી લઇને સફાઈ કામદાર સુધીના અમારા ૧૦૦ જેટલા કોરોના વોરિયર્સ રસી મુકાવવા માટે સજ્જ છે. કોરોના મહામારીના જંગ સામે હંમેશા રાત-દિવસ જોયા વગર ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કોરોના વોરિયર્સ રસી મુકાવશે. આ રસી ખૂબ જ સારી છે. કોઈપણ પ્રકારની આડ અસર થશે નહીં જેથી કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. અને જો કોઈને કાંઈ પણ મુશ્કેલી જણાય તો તેના માટે પણ અમારો આરોગ્ય વિભાગ તમામ સુવિધાઓથી સજ્જ બની કામ કરી રહયો છે.
જનરલ હોસ્પિટલના માઈક્રો બાયોલોજિસ્ટ અને ઇન્ચાર્જ RMO જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ફરજ બજાવતા ડો. સુહાસભાઈ પટેલે કોરોનાનો સૌપ્રથમ ડોઝ ઉત્સાહપૂર્વક લીધો હતો. જેમણે ડોઝ લીધા બાદ જણાવ્યું હતું કે, અમે કોરોનાની મહામારી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી હોસ્પિટલમાં મહત્વપૂર્ણ ફરજ બજાવી છે. આજે જ્યારે મને પ્રથમ કોરોના વેક્સિનનો ડોઝ મળ્યો છે જેથી મને બહુ ગર્વનો અનુભવ થાય છે. આ વેક્સિન લીધા પછી હજુ સુધી મને કોઈ પણ પ્રકારે આડઅસર થઈ નથી. સરકારે જે પ્રમાણે વેક્સિનને સુરક્ષિત જણાવી હતી તે પ્રમાણે વેક્સિન ખરેખર સુરક્ષિત છે વધુમાં તેમણે બીજા લોકોને પણ વેક્સિન અંગે જાગૃત કર્યા હતા. ત્યારબાદ સૌ પ્રથમ મહિલા ડો.કુંજન ચૌધરી (ફિઝિશ્યન)એ કોરોના વેકસીનની રસી મુકાવી હતી. જેમણે રસી મુકાવવા માટે કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના રસી લેવાનો સૌને આગ્રહ કર્યો હતો.
સામુહિક આરોગ્ય કેન્દ્ર ગડત ખાતે રાજ્યના માજી વનમંત્રી શ્રી મંગુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કોવીશીલ્ડ રસી નો પ્રારંભ કરાયો હતો.કોરોના સમયમાં હંમેશા મહત્વની ફરજ અદા કરનાર કોરોના વોરિયર્સ પૈકી સુપ્રિન્ટેન્ડન્ટ ડો.હેમાંગિની ચૌધરી (ફિઝિશ્યન )એ સૌપ્રથમ રસી લઈ પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
વ્યારા ખાતે ડો.રંગુનવાલા, ડો.ચેતન ચૌધરી,ગડત પી.એચ.સી. ખાતે ડો.રવી ચૌધરી સહિત હોસ્પિ ટલ નો આરોગ્ય તમામ સ્ટાફ ઉપિસ્થત રહ્યા હતા.
૦૦૦૦૦૦