કાકરાપાર-ગોડધા-વડ ઉદવહન સિંચાઇ યોજનાં શરૂ થતાં માંગરોળ ખાતેથી પસાર થતી ભૂખી નદીમાં નવા નીર આવ્યા : ઉનાળામાં પીવાનાં પાણીનો પ્રશ્ન ઉભો નહીં થાય : પ્રજામાં આનંદની લહેર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કાકરાપાર- ગોડધા- વડ ઉદવહન સિંચાઇ યોજનાંનું ગઈકાલે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યા બાદ ગતરાત્રી દરમિયાન તાલુકા મથક માંગરોળ ખાતે થી પસાર થતી ભૂખી નદીમાં આ યોજનાના નવા નીર આવતાં ભૂખી નદીમાં પાણી વહેતું જોવા મળ્યું હતું. સાથે જ આ વિસ્તારની પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે. ચોમાસાની મોસમની વિદાય બાદ ભૂખી નદીમાં પાણી સુકાઈ જતું હતું. જેને પગલે ઉનાળાની મૌસમમાં પીવાનાં પાણીના બોરો અને કુવાઓમાં પાણીનાં લેવલ ખૂબ જ નીચા ઉતરી જતાં હતાં. જેને પગલે ઘણી વાર પાણીના બોરમાં પાણી પણ સુકાઈ જતા બોરો બંધ થઈ જતાં હતા. જેથી પ્રજા જનોને પીવા માટે, પશુઓ માટે અને કપડાં ધોવા માટે પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થતો હતો. હવે આ સમસ્યા ભૂતકાળ બની જશે. આ યોજના સાકાર કરવા બદલ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણ પતસિંહ વસાવાનો આભાર વ્યક્ત કર્યો છે. માંગરોળ ખાતે ભૂખી નદી ઉપર જે લો લેવલ ચેક ડેમ ઉભો કરવામાં આવ્યો છે. જે એક તરફથી તૂટી જવા પામ્યો છે. જેને રીપેર કરવામાં આવે એ અતિ જરૂરી છે. જેથી પાણીનો સંગ્રહ થઈ શકે.