નરેન્દ્ર મોદીએ કેવડિયામાં કહ્યું કે 370 હઠાવી, સરદારનું સપનું પૂર્ણ થયું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ગુજરાતમાં કેવડિયા ખાતે છે.
મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સવારે કેવડિયા પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ આપી હતી.
જે બાદ તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
અહીં જ મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસ પર એકતાના શપથ લેવડાવ્યા હતા.
મોદી સામે જવાનોએ એકતા દિવસના પ્રસંગે મોક ડ્રીલ કરી હતી, જેમાં જવાનોએ વિવિધ કરતબો કર્યાં હતાં.
એક મોક ડ્રિલમાં આતંકીઓનો સામનો, તો બીજીમાં ધરતીકંપ બાદ બચાવ કામગીરી દર્શાવાઈ હતી.
આ પરિસરમાં મોદીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન મોદીએ અહીં લોકોને સંબોધન કરતાં કહ્યું કે સરદાર પટેલના વિચારોમાં દેશની એકતાને દરેક વ્યક્તિ મહેસૂસ કરી રહી છે. આજે આપણે તેમનો અવાજ સૌથી ઊંચી પ્રતિમા નીચે સાંભળી શકીએ છીએ.
મોદીએ કહ્યું કે ભારતની વિવિધતામાં એકતાનું આપણે ગૌરવ છે. આપણે ભારતની વિવધ બોલીઓનું ગૌરવ છે.
તેમણે કહ્યું, ” સરદાર પટેલના અધૂરા સપનાને પૂર્ણ કરવાનું સૌભાગ્ય મળ્યું તેનો આનંદ છે. સરદારના જન્મદિવસે જ લદ્દાખ, જમ્મુ-કાશ્મીર ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે.”
“આતંકવાદે 40 હજાર લોકોનો ભોગ લીધો, આજે કલમ 370ની દીવાલને હટાવી દેવાઈ છે. હવે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સ્થિરતા આવશે.”
“370ની કલમ દૂર થતાં સરદારના આત્માને શાંતિ મળશે. સરદાર પટેલે કાશ્મીર એકીકરણનું સપનું જોયું હતું.”
“વ્યક્તિગત સ્વાર્થ માટે સરકારો બનાવવાનો કે પાડવાનો ખેલ બંધ થશે. હવે જમ્મુ-કાશ્મીરના લોકો સાથે થતો ભેદભાવ દૂર થશે.”
“દેશની એકતા અને તેના પર થનારા દરેક હુમલાને અમે હરાવીશું, જડબાતોડ જવાબ આપીશું.”