અખીલ ભારતીય સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટેની પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છુક તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ જોગ
તાપી જિલ્લામાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી આર.જે. હાલાણી દ્વારા જિલ્લાની જનતાને ખાસ અપીલ
અખીલ ભારતીય સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટેની પરીક્ષા આગામી જાન્યુઆરી-૨૦૨૧ માં યોજાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : –રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી(એનટીએ) દ્વારા દેશભરની ૩૩ સૈનિક સ્કૂલોમાં ધો.૫ અને ધો.૯ માં શૈક્ષણિક સત્ર-૨૦૨૧માં પ્રવેશ માટેની AISSEE-2021 પ્રવેશ માટેની પરીક્ષા આગામી જાન્યુઆરી-૨૦૨૧માં તા.૧૦/૦૧/૨૦૨૧ રવિવારના રોજ યોજાનાર છે. પરીક્ષા પ્રવેશ માટે યોગ્યતામાં ધો.૫ માટે ઉમેદવાર તા.૩૧/૦૩/૨૦૨૧ના રોજ ૧૦ થી ૧૨ વર્ષની વચ્ચે હોવો જોઈએ (તમામ સૈનિક સ્કૂલોમાં છોકરીઓ માટે પ્રવેશ ફક્ત ધો.૫ માં ઉપલબ્ધ છે.) જ્યારે ધો.૯ માટે ઉમેદવાર તા.૩૧/૦૩/૨૦૨૧ના રોજ ૧૩ થી ૧૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને પ્રવેશ સમયે માન્ય શાળામાંથી ધો.૮ માં ઉત્તીર્ણ હોવો જોઈએ. પરીક્ષાનો મોડ પેન અને પેપર(ઓ.એમ.આર. શીટ બહુવિકલ્પીય પ્રશ્નપત્ર આધારિત રહેશે.) પરીક્ષા ફીમાં અનુસુચિત જાતી તથા જનજાતિ માટે રૂ.૪૦૦/- તથા અન્ય માટે રૂ.૫૦૦/- રહેશે.
પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થી યોજના/મુદત/માધ્યમ/ અભ્યાસક્રમ, સૈનિક સ્કૂલોની યાદી,અને તેમનો સંભવિત પ્રવેશ,સીટોનું અનામત, પરીક્ષા શહેરે, ઉત્તીર્ણ જરૂરિયાતો સહિત મહત્વપૂર્ણ જાણકારી એનટીએની વેબસાઈટ www.nta.ac.in/https://aissee.nta.nic.in પર જોઈ શકાશે. AISSEE-2021ની પરીક્ષામા ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થી તા.૧૯ નવેમ્બર-૨૦૨૦ સુધી https://aissee.nta.nic.in પર ફક્ત ઓનલાઈન આવેદન પત્ર ભરી શકાશે. પરીક્ષા ફીની ચુકવણી ડેબિટ/ક્રેડીટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેન્કીંગ અથવા PAYTM Wallet નો ઉપયોગ કરીને પેમેન્ટ ગેટવેના માધ્યમથી કરવાનું રહેશે.
પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દવારા આવકની મર્યાદામાં સ્કોલરશીપ આપવામાં આવશે. જેમાં જનરલ કેટેગરી માટે રૂ.૪૦,૦૦૦ની વાર્ષિક આવક ધરાવનારને રૂ.૧૫,૦૦૦,
રૂ.૪૦,૦૦૦ થી રૂ.૬૦,૦૦૦ વચ્ચેની વાર્ષિક આવક ધરાવનારને રૂ.૭૫૦૦ જ્યારે અનુ.જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓને રૂ.૧,૦૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવનારને રૂ.૧૫,૦૦૦, તથા રૂ.૨,૦૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવનારને રૂ.૭૫૦૦ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
તાપી જિલ્લામાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી આર.જે.હાલાણી દ્વારા જિલ્લાની જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સૈનિક સ્કૂલ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની આવાસી વિદ્યાલય છે.આ વિધ્યાલય રાષ્ટ્રિય સુરક્ષા એકેડેમી, ભારતીય નૌસેના એકેડેમી તથા અન્ય પ્રશિક્ષણ એકેડેમીમાં સમાવિષ્ટ અધિકારીઓને તૈયાર કરે છે.
….