આંતરરાષ્ટ્રીય દોડવીર કુ. સરિતા ગાયકવાડ અને મુરલી ગાવીતની મહેનત અને સફળતામાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કરતા રાજ્યના રમત ગમત મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ
સાપુતારા ખાતે યોજાયો “નેશનલ સ્પોર્ટ્સ ડે” : ઉભરતા ખેલાડીઓનું કરાયું સન્માન
ખેલ અને ખેલાડીઓના ઉત્કર્ષ માટે સરકાર પ્રતિબદ્ધ
– મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઈ: તા: ૨૯: ડાંગ, ગુજરાત અને હવે તો સમગ્ર દેશના બે અનમોલ રતન એવા આંતરરાષ્ટ્રીય દોડવીર કુ. સરિતા ગાયકવાડ અને મુરલી ગાવીતની મહેનત અને સફળતામાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કરતા રાજ્યના રમત ગમત મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ઉભરતા સિતારાઓ એવા બાળ અને યુવા રમતવીરોને “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસભર્યા ભીના ભીના માહોલ વચ્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા “નેશનલ સ્પોર્ટ્સ ડે” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રીશ્રીએ, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ ને કારણે રાજ્ય સ્તરની વિવિધ ઉજવણીઓને છેક તાલુકા અને જિલ્લા સ્તરે લઈ જવાનો સિલસિલો શરૂ થયો હતો, જેના કારણે ગ્રામ્ય કક્ષાએથી પણ નવી નવી પ્રતિભાઓ દેશને મળી છે તેમ જણાવ્યું હતું.
રાજ્યના ઉભરતા ખેલાડીઓ માટે સરકારે અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો અમલી બનાવીને સધિયારો પૂરો પાડ્યો છે તેમ જણાવી મંત્રીશ્રીએ, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ડાંગની દીકરી કુ. સરિતા ગાયકવાડનું “એશિયન ગેમ્સ” ની ટિમ ઈવેન્ટ માં “ગોલ્ડ મેડલ” મેળવવા બદલ વિશેષ સન્માન કરીને, નિયત પ્રાઇસ મની કરતા વધુ રકમ કુલ રૂ.૧ કરોડ આપીને સન્માનિત કરી હતી. જ્યારે વડાપ્રધાનશ્રીના ૬૮ માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યની સહકારી સંસ્થાઓ વતી બીજા રૂ. ૬૮ લાખનું રોકડ પારિતોષિક અર્પણ કરાયું હતું જણાવ્યું હતું. આગામી દિવસોમાં સરિતાને રાજ્ય સરકાર કલાસ-૧ ની નોકરી પણ આપી રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ મુરલી ગાવીતને પણ સરકાર તમામ મદદ કરી રહી છે તેમ ઉમેર્યું હતું.
સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ સાધનાની સંસ્કૃતિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી યુ.એન. એ પણ સ્વીકારી, પરિણામે દર વર્ષે ૨૧મી જૂન “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવાય છે. યોગની આ વિરાસત અને પરંપરા ભારતને જગતજનની-વિશ્વગુરુ બનાવવાની દિશા તરફનું આગેકદમ છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ યોગ અને પ્રાણાયામ ની અનિવાર્યતા જોતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતર રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે ૧ લાખ “યોગ ટ્રેનર્સ” તૈયાર કરવાની નેમ વ્યક્ત કરી છે તેમ પણ જણાવ્યું હતું.
આપણે ભારતની પારંપરિક ઘર બેઠા રમાતી રમતોને નવી અને આકર્ષક રીતે પ્રસ્તુત કરીએ તેમ જણાવતા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે, “હમ ફિટ, તો ભારત ફિટ” ના મંત્ર સાથે તા.૧૫ ઓગસ્ટ થી તા. ૨જી ઓક્ટોબર સુધી ચાલી રહેલી “ફિટ ઇન્ડિયા મુવમેન્ટ” અંતર્ગત દેશમાં અનોખી જનચેતના જગાવવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.
ગ્રામીણ ઓલોમ્પિક્સ, ખેલ મહાકુંભ, કલા મહોત્સવ, શાળાકીય રમત મહોત્સવો જેવા ઉત્સવો-સ્પર્ધાઓના આયોજન સાથે રાજ્ય સરકાર સુષુપ્ત પ્રતિભાઓ ને બહાર લાવી રહી છે તેમ જણાવતા મંત્રીશ્રીએ રાજ્ય સરકાર રમત ગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, કલા અકાદમી વિગેરેના માધ્યમથી ખેલ અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
દરમિયાન સરિતા ગાયકવાડ અને મુરલી ગાવીતે પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ પટેલ તથા તેમની ટીમ, અને સિનિયર કોચ શ્રી અલકેશ પટેલ તથા તેમની ટીમે આનુશાંગિક વ્યવસ્થાઓ સંભાળી હતી.
કાર્યક્રમમાં માજી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, સામાજિક કાર્યકરો સર્વશ્રી અશોકભાઈ ધોરજીયા અને પી.પી.સ્વામીજી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સુરેન્દ્રભાઈ ભોયે, મંત્રીશ્રીના પર્સનલ સેક્રેટરી શ્રી એચ.એમ.પટેલ, માહિતી વિભાગની ટીમ, ડાંગના ઉભરતા ખેલાડીઓ, રમતપ્રેમીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના ભાગરૂપે મંત્રીશ્રી સહિતના મહાનુભાવો ના હસ્તે ડાંગના ખેલાડીઓનું સન્માન અભિવાદન કરાયું હતું.
–