ભુજના નાગર ચકલા સ્થિત એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાંથી નિકળ્યું ૧ લાખ લિટર પાણી !
ભુજ શહેરના નાગર ચકલા વિસ્તારમાં જય એપાર્ટમેન્ટ છે. જેના બેઝમેન્ટમાં એકાદ લાખ લીટર પાણી ભરાઈ ગયું હતું. જે પાણી ઉપર હજારો પોરા અને લારવા ખદબદવા લાગ્યા હતા. પરંતુ, એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પાણી ઉલેચાવવાની તસદી લીધી ન હતી, જેથી છેવટે બે ચાર જાગૃત નાગરિકોએ નગરપાલિકાનો સંપર્ક સાધ્યો હતો. હાલમાં ડેન્ગ્યૂ સહીતના તાવના બનાવો વધી ગયા છે એટલે સ્થાનિક નગરસેવક હરકતમાં આવ્યા હતા અને પાણી ઉલેચાવ્યું હતું.
ભુજ શહેરના ગેરવાળી વંડી વિસ્તારથી નાગર ચકલા તરફ જતા વચ્ચે નાના વોકળા તરફ જવાનો રસ્તો ફંટાય છે. જે ત્રણ રસ્તા પાસે 1990થી 1992 દરમિયાન જય એપાર્ટમેન્ટ બન્યું હતું, જેમાં ચાર માળ છે અને 15 જેટલા ફ્લેટનો રહેણાક તરીકે ઉપયોગ થાય છે બાકી પ્રથમ માળે ખાનગી ઓફિસ આવેલી છે. જે એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં વર્ષોથી પાણી ભરાય છે. પરંતુ, ફ્લેટધારકો પાણી ઉલેચાવતા નથી, જેથી ચાલુ સાલે સાતેક ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. બીજી બાજું નાગરચકલા વિસ્તારમાં ડેન્ગ્યૂના 14 જેટલા કેસ નોંધાયા બાદ એપાર્ટમેન્ટનો એકાદ જાગૃત નાગરિક નગરપાલિકામાં રજુઆત કરવા દોડ્યો હતો. જે દરમિયાન વોર્ડ નંબર 6ના નગરસેવક જલધિ ઉર્ફે જગત વ્યાસના ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેઓ જાતે નિરીક્ષણ માટે પહોંચી ગયા હતા અને હજારો પોરા અને લારવાને ખદબદતા જોઈને
તાત્કાલિક અસરથી પાણી ઉલેચાવાનું શરૂ કર્યું હતું.
દાયકાઓ પહેલા ત્યાં હમીરસરની આવ અને કૂવો હતો. જે ઉપર એપાર્ટમેન્ટ બની ગયો છે, જેથી ચોમાસામાં હમીરસર તળાવમાં પાણી ભરાય ત્યારે કુવામાં પાણીના સ્તર ઉપર આવવાથી કદાચ બેઝમેન્ટમાં પાણી ભરાતું હતું. નગરપતિ નરેન્દ્ર ઉર્ફે શંકરભાઈ ઠક્કર હતા. ત્યાં સુધી નગરપાલિકા પાણી ઉલેચી જતી હતી. પરંતુ, છેલ્લા ત્રણેક વર્ષથી નગરપાલિકા દ્વારા પાણી ઉલેચાતું નથી.