વ્યારા નગર પાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત તૈયાર થયેલ રીસોર્સ રીકવરી સ્ટેશનનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરાયું
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;રવિવાર: વ્યારા નગર પાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત તૈયાર થયેલ રીસોર્સ રીકવરી સ્ટેશનનું કલેકટર આર.જે.હાલાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ડમ્પીંગ સાઈટ કણઝા ફાટક ખાતે આયોજિત સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપાડેલ સ્વચ્છ ભારત નિર્માણની ઝુંબેશને સમગ્ર દેશમાં વ્યાપક સફળતા મળી રહી છે. સ્વચ્છતાના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ આવતા છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં સુધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સ્વસ્થ સમાજનું ઘડતર કરવાની દિશામાં સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરિણામે તાજેતરમાં સ્વચ્છ ભારત મિશન-૨૦૨૦ના સર્વેક્ષણમાં દેશના પ્રથમ દસ શહેરોમાં ગુજરાતના ચાર શહેરોનો સમાવેશ થયો છે. વ્યારા નગર પાલિકા રાજ્યમાં છઠા સ્થાને તથા સુરત ઝોનમાં બીજા ક્રમે રહી છે જે વ્યારાની જનતાએ આપેલા સહયોગ,સફાઈ કામદારોએ કરેલી મહેનત પાલિકાના કર્મયોગીએ કરેલું કામ અને નગરસેવકો દ્વારા નગર હીતમાં કરેલી સેવા અને નિર્ણયોથી શક્ય બન્યુ છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, શહેરી સ્વચ્છતા માટેનું વ્યવસ્થાપન એ સૌથી અઘરૂ કામ છે , જે વ્યારા નગર પાલિકાએ કચરાનો સાયન્ટીફીક નિકાલ અને રીયુઝ કરવાની અત્યાધુનિક પધ્ધતિથી સરળ બનાવી વ્યારા નગરને સ્વચ્છ અને સુંદર બનાવ્યું છે. ખાસ કરીને નાના કર્મચારીઓની સ્વચ્છતા કાળજીના લીધે “વ્યારા સબસે ન્યારા” સુત્ર સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યુ છે. તેમણે કેપીએસ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા રૂપિયા ૫૦ લાખની રકમ ફાળવવા બદલ આભાર વ્યક્ત કરી તાપી જિલ્લાના વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ અગાઉ કલેક્ટરશ્રીએ ડમ્પીંગ સાઈટની મુલાકાત લઈ કચરા નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.
નગર પાલિકા પ્રમુખશ્રી મહેરનોષ જોખીએ શહેરની સ્વચ્છતા માટે હાથ ધરવામાં આવેલ વ્યવસ્થાપન અને આગામી આયોજનની વિસ્તૃત જાણકારી આપી હતી. વ્યારાના વિકાસ માટે સતત મદદરૂપ થઈ રહેલ કેપીએસનો આભાર વ્યક્ત કર્યો હતો અને સ્વછતા માટે નગર પાલિકાને સંપૂર્ણ સહયોગ આપવા નગરજનોને અપીલ કરી હતી.
કાર્યક્રમમાં કેપીએસ ગુજરાતના સાઈટ ડાયરેક્ટર એમ.પી.હંસોરાએ પ્રેરક ઉદબોધન કર્યુ હતુ. આ પ્રસંગે કોવિદ-૧૯ દરમિયાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર નગર પાલિકાના કર્મચારીઓને કલેક્ટરશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માનપત્રો આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક આનંદકુમારશ્રી, ઉપપ્રમુખ ધર્મિષઠા મિસ્ત્રી, કેપીએસના શ્રી શર્મા, વ્યારા મામલતદારશ્રી ભાવસાર,બાંધકામ સમિતીના ચેરમેન અનિષ ચૌધરી, આરોગ્ય સમિતીના ચેરમેન સુરેખા ચૌધરી સહિત નગર પાલિકાના પદાધિકારી/અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ચીફ ઓફિસર શૈલેશ પટેલ તથા આભારવિધી કારોબારી ચેરમેન રાકેશભાઈ શાહે કરી હતી.
…….