તાપી જીલ્લામાં બાંધકામ ક્ષેત્રે સરકારના પૈસાનું પાણી ફેરવતી એજન્સીઓ સામે પગલા ભરવામાં આવશે ?!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના ખુરદી ગામે સરકારી ગ્રાન્ટમાંથી કંન્ટ્રકશન એજન્સીઓ મારફતે ખુરદી ગામે પાયાની સુવિધાઓ જેવી કે પાણી પીવા માટેની સુવિધા, રસ્તાઓનુ કામ કરવામાં આવ્યું હતું. જેમાં થયેલ કામમાં ગેરરીતિ કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. તંત્ર દ્વારા દર વર્ષે અનેક એજન્સીઓને ખુરદી ગામે વિકાસ ના કામ માટે પૈસા આપવામાં આવે છે,આ પૈસા મુળ હેતુ માટે એજન્સીઓ યોગ્ય રીતે ખર્ચ નહી કરી હલકી ગુણવત્તા ના બાંધકામ કરી મોટી ગેરરીતિ આચરી રહી હોય તેવી ગ્રામજનો અને જીલ્લા માં ચર્ચા ઊઠવા પામી છે. જેથી મંજૂર કામની ગુણવત્તા જળવાતી નથી જેથી વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
ખુરદી ગામે વર્ષ ૨૦૧૬-૧૭ ૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી એક એજન્સી (કોન્ટ્રાકટર)ને પીવાના પાણીની સુવિધા પુરી પાડવા માટે બોર સાથે ટાંકી બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં એજન્સી દ્વારા હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી તેમજ હલકી કક્ષાનું બાંઘકામ કરી પાણીની ટાંકી માટેની બેઠક બનાવી દેવામાં આવી હતી જે બનાવેલ સમયના ૧ વર્ષની અંદર જ એક બાજુની દિવાલ તૂટી ગયેલ હતી ત્યારબાદ ગત તારીખ ૦૯/૦૮/૨૦૨૦ ના રોજ રાત્રીના સમયે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા આખી બેઠક તુટી ગયેલ હતી રાત્રિનો સમય હોવાને લીધે કોઈ જાનહાનિ થઈ હતી નહી, જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે ટાંકીની બેઠકના કામકાજમાં સરકારના ઘારાઘોરણનો સરેઆમ ભંગ થયો છે. અને કોન્ટ્રાક્ટરે પાણીની ટાંકીની બેઠકની ચણતર અને પ્લાસ્ટરની કામગીરીમા મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.આવા કોન્ટ્રાક્ટરના બિલ પાસ થાય તે પણ એક ખુબ મોટી સમસ્યા છે.
સ્થાનિકોની માંગ છે કે જીલ્લા લેવલે ઊચ્ચ અધિકારીઓ દ્રારા સ્થળ તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી શકે તેમ છે. અને આ સાથે સરકારના લાખો રૂપિયાનુ પાણી થતા પણ બચી શકે સાથે સાથે સ્થાનિકો દ્વારા નવી ટાંકી મુકાવી ફરી ગ્રામલોકોને સગવડતા મળે એની પણ માંગ કરેલ છે. જેને લઈને ખુરદી ગ્રામ પંચાયત સભ્યો તરીકે ફરજ બજાવતા એક યુવા સભ્યએ તપાસ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ અરજ કરેલ છે.
સમગ્ર બાબતે તંત્ર દ્રારા કાર્યવાહી નહી થતા વધું ન્યાયિક કાર્યવાહી અને માર્ગદર્શન માટે ગામના યુવા આગેવાનો દ્વારા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા અને એક અવાજ એક મોર્ચા ના અધ્યક્ષ રોમેલ સુતરિયાનો સંપર્ક કરવામાં આવ્યો છે જે બાબતે રોમેલ સુતરિયાએ અમને જણાવ્યું છે કે સરકાર દ્વારા વિકાસ ના કામો માટે અને લોકોની સમસ્યાઓ દુર કરવા માટે ફાળવવામાં આવતી ગ્રાંટમા ભ્રષ્ટાચાર તે એક ગંભીર સમસ્યા છે. ખુરદી ગામે પીવાના પાણીની ટાંકી બનાવવાના ગણતરીના મહિનાઓ માં તુટી જવી તે એક શરમજનક બાબત છે જે બાબતે તાપી જીલ્લા તંત્ર એ ધ્યાન આપવું જોઈએ અને જવાબદાર લોકો સામે તત્કાલ ઊચિત પગલા ભરવા જોઈએ. ગ્રામજનોને પુરતી સુવિધા મળી રહે તે જોવાની સ્થાનિક આગેવાનોની પણ જવાબદારી છે.ત્યારે ખુરદી ગામ એક ઉદાહરણ છે આ જ પ્રકારે અનેક ફરિયાદો ઊઠે છે યુવાનોએ આગેવાની કરી ફરિયાદ કરી છે તે સારી બાબત છે. સંગઠન તેમને દરેક બાબતે સહકાર આપશે. જરૂર જણાયે કૌભાંડીઓ સામે કોર્ટના દરવાજે પણ જવું પડે તો જવામાં આવશે. સ્થાનિક સંગઠનો અને આગેવાનો એ ખુરદી તેમજ અન્ય ગામોમાં થતી ગેરરીતિ બાબતે આગેવાની લેવી જોઈએ જેથી આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાંટનો જરૂરી લોકોને જ લાભ મળે અને પૈસાનો વ્યય થતા અટકાવી શકાય.