સુમુલ ડેરીની ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ : વર્તમાન પ્રમુખ અને એમની પેનલનાં બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે, આજે સુમુલ ડેરીનાં વર્તમાન પ્રમુખ રાજુભાઇ પાઠકે એમની પેનલનાં અન્ય બે ઉમેદવારોએ ચૂંટણી અધિકારી, સીટી પ્રાંતની કચેરી, સુરત ખાતે ઉમેદવારી નોંધાવી છે, અત્રે યાદ આપવું જરૂરી છે કે ગતટર્મની એમની પેનલનાં કેટલાંક ડિરેક્ટરોએ અલગ ચોકો રચી ગઈકાલે સહકાર પેનલ નામ આપી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે આજે માંગરોળ બેઠક ઉપરથી વર્તમાન પ્રમુખ રાજુભાઇ પાઠક, ચોર્યાસી બેઠક ઉપરથી સંદીપ દેસાઈ, ઓલપાડ બેઠક ઉપરથી પ્રિતેશભાઈ પટેલએ ઉમેદવારી નોંધાવી છે. રાજુભાઇ પાઠક સાથે માંગરોળ તાલુકામાં કાર્યરત દૂધ મંડળીના જવાબદાર તમામ સમાજનાં આગેવાનો હાજર રહયા હતા, જેમાં મોસાલી દૂધ મંડળીના પ્રમુખ મકસુંદભાઈ માજરા(લાલ ભાઈ), અબુભાઈ પટેલ, ચંદુભાઈ વસાવા, હર્ષદભાઈ ચૌધરી, યુસુફભાઈ જીભાઈ શંભુભાઈ વગેરે હાજર રહ્યા હતા. આવતી કાલે ઉમેદવારીપત્રો ચેક કરાશે અને ત્યારબાદ ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે, ત્યારબાદ ચૂંટણી અંગેનું સ્પષ્ટ ચિત્ર જાહેર થશે. આ સંસ્થા ખૂબ જૂની છે સાથે જ સુરત અને તાપી જિલ્લાના બે લાખ અને પચાસ હજાર પશુપાલોકોની જીવાદોરી છે.