આદિવાસી યુવાનો પોતાની શક્તિ અને કૌશલ્યથી સમાજના ઉત્થાન સાથે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને : ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી

0
આદિવાસી યુવાનો પોતાની શક્તિ અને કૌશલ્યથી સમાજના ઉત્થાન સાથે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને : ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી
Contact News Publisher

‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ અને જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત વ્યારામાં યુવા સંમેલન યોજાયો

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૩. :- ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ અને ‘જનજાતિય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લામાં વ્યારાના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને ‘યુવા સંમેલન’ કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ યુવાનોને શિક્ષણનું મહત્વ સમજાવતા પોતાના વિદ્યાર્થીકાળના સંઘર્ષમય દિવસોને યાદ કરતા જણાવ્યું કે, ભૂતકાળના કઠિન સંજોગોમાંથી પસાર થયા બાદ આજે સમજાય છે કે સુવિધાઓના અભાવથી કેવી મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આજે વર્તમાન પેઢીને શિક્ષણ, રોડ-રસ્તા, પરિવહન, શાળા-કોલેજો, છાત્રાલયો સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ બની છે.

 

તેમણે કહ્યુ કે, કોલેજો, આઈ.ટી.આઈ., એકલવ્ય શાળાઓ અને શિક્ષણલક્ષી યોજનાઓના માધ્યમથી આદિવાસી યુવાનો માટે ઉચ્ચ શિક્ષણની નવી તકો ઊભી થઈ છે. તાપી જિલ્લાની દરેક જિલ્લા પંચાયત બેઠક પર રૂ. ૬૦ લાખના ખર્ચે અદ્યતન લાઈબ્રેરીઓનું નિર્માણ શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહ્યું છે.

 

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ આદિવાસી સમુદાયની સાથે આદિમજુથ સમુદાયની પણ ચિંતા કરી છે. આજે પ્રધાનમંત્રી જનમન યોજના થકી કોટવાળિયા, કાથોડિયા સહિતના આદિમજુથોને પાયાની સુવિધાઓ મળી રહી તે માટે સરકાર કટિબદ્ધ છે.

 

યુવાનોને સંબોધતાં તેમણે સોશિયલ મીડિયામાં બિનજરૂરી સમય બગાડવાને બદલે શિક્ષણ, કૌશલ્ય, સ્ટાર્ટઅપ ઈન્ડિયા સહિતની યોજના તથા સેવાઓ-તકોનો લાભ લેવા તેમજ ખેતી-પશુપાલન સહિતના ક્ષેત્રોમાં પણ શિક્ષણના અસરકારક ઉપયોગથી આગળ વધવા અનુરોધ કર્યો હતો. યુવાનોની શક્તિ, કૌશલ્ય અને સહિયારા પ્રયાસોથી જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

 

આ તકે અગ્રણી વક્તાશ્રી જીતેશભાઈ તડવીએ જણાવ્યુ કે, આદિવાસી સમાજની આગવી ઓળખ, પ્રકૃતિ સાથેનો નાતો અને એકતાની ભાવનાને જાળવી રાખી શિક્ષણ, જાગૃતિ અને સામાજિક એકતાના માધ્યમથી સમાજના વિકાસમાં યોગદાન આપવું એ આજના યુવાનોની મહત્વપૂર્ણ જવાબદારી છે. દેશના વિકાસ સાથે પોતાના સમાજને પણ પ્રગતિના પંથે આગળ લઈ જવા તેમણે યુવાનોને આહ્વાન કર્યું હતું.

 

આ પ્રસંગે સરકારી યોજનાઓનો લાભ મેળવી પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર લાભાર્થીઓએ પણ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. તેમણે સરકારી યોજનાઓ થકી મળેલી તકોનો લાભ લઈ શિક્ષણ, કૌશલ્ય અને જીવનમાં થયેલી પ્રગતિ અંગે પ્રતિભાવો રજૂ કર્યા હતા.

 

કાર્યક્રમમાં વન અધિકાર અધિનિયમ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની રેકોર્ડેડ સાફલ્યગાથા થકી ઉપસ્થિત યુવાનો અને નાગરિકોએ તેમના જીવનમાં આવેલા પરિવર્તનની જાણકારી મેળવી હતી.

 

કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લઈ ધન્યતા અનુભવી હતી.

 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ સિસલે, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિત સ્થાનિક જનપ્રતિનિધિશ્રીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો-નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *