નિઝર વિધાનસભા મત વિસ્તારના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ કરતા રાજ્યકક્ષાના નાણાંમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને રમતગમત મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત

જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરી સહિતના તમામ ઉચ્ચ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
નારણપુર ખાતે બ્રિજ અને વડપાડાનેસુમાં આદર્શ નિવાસી શાળાની કામગીરી ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના
નારણપુર પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ અધિકારીઓ પાસેથી ટેક્નિકલ માહિતી મેળવી
જનસુનાવણીમાં અરજદારોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયું
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૩ : રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના રમતગમત મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન નિઝર વિધાનસભા વિસ્તારના ઉચ્છલ તાલુકામાં વિવિધ વિકાસપ્રકલ્પોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરીની પ્રગતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
પ્રવાસ દરમિયાન મંત્રીશ્રીઓએ નારણપુર ગામે પ્રગતિ હેઠળના મેજર બ્રિજ તેમજ વડપાડાનેસુ ખાતે ખાતમુહૂર્ત થનાર આદર્શ નિવાસી શાળાના બાંધકામ સ્થળે પહોંચી સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીની સ્થિતિ જાણી કામગીરી ગુણવત્તાના નિર્ધારિત ધોરણો મુજબ પૂર્ણ કરવા સૂચના આપી હતી.
ત્યારબાદ મંત્રીશ્રીઓએ નારણપુર પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈને તેની સંચાલન વ્યવસ્થા અને કામગીરીની માહિતી મેળવી હતી.
સ્થળ નિરીક્ષણ બાદ તાલુકા સેવાસદન, ઉચ્છલના સભાખંડ ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યોની ભૌતિક અને નાણાકીય પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ પ્રજાલક્ષી યોજનાઓના સુચારૂ અમલીકરણ માટે વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવવા, કામગીરીમાં સમયબદ્ધતા લાવવા અને જવાબદારી સુનિશ્ચિત કરવા બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી જનસુનાવણીમાં મંત્રીશ્રીઓએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતો અને પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા. નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી નિયમાનુસાર ત્વરિત અને યોગ્ય નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ મુલાકાત પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
