ઉચ્છલમાં મંત્રીશ્રી કમલેશ પટેલ અને ડૉ. જયરામભાઈ ગામીતનો ખેડૂત સંવાદ: લાભાર્થીઓને બિયારણ કીટનું વિતરણ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૩ : રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશ પટેલ અને રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન નિઝર વિધાનસભા વિસ્તારના ઉચ્છલ તાલુકામાં કિસાન સુવિધા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, વંચિત, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને આદિવાસી સમુદાયના જીવનધોરણમાં સુધાર આવે તે માટે અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. પીએમ આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ આજે લોકો માટે બહુમૂલ્ય સાબિત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, કૃષિ વૈવિધ્યીકરણ પ્રોજેક્ટ હેઠળ મંત્રી સર્વશ્રી કમલેશભાઈ પટેલ અને ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે લાભાર્થી ખેડૂતોને ઘઉં, ચણા અને મકાઈના બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી જગદીશભાઈ પટેલ, શ્રી સૂરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
