ઉચ્છલના ભડભુંજા ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બાળ સુરક્ષા, જાતિ સમાનતા અને વ્યસનમુક્તિ અંગે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૧૩. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામે આવેલી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગત તા.૧૨ ઓક્ટોબરના રોજ મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ, તાપીના સંયુક્ત ઉપક્રમે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં જેન્ડર સ્પેશ્યાલિસ્ટ ખુશ્બુ ગામીતે બાળકોને ગુડ ટચ-બેડ ટચ, બાળ સુરક્ષા અને જાતિ સમાનતા અંગે સરળ ભાષામાં સમજ આપી હતી. કોઈ અસહજ પરિસ્થિતિમાં માતા-પિતા કે શિક્ષકોને જાણ કરવા તેમજ છોકરા-છોકરીઓને સમાન તકો મળે તે અંગે જાગૃત કર્યા હતા.
પીબીએસસી કાઉન્સેલર પ્રિયંકાબેન દેસાઈએ બાળકોને સોપારી અને ગુટખા જેવા વ્યસનોથી થતા આરોગ્યના ગંભીર નુકસાન અંગે સમજાવ્યા હતા. ઉપરાંત, કિશોરાવસ્થામાં સ્વાભાવિક આકર્ષણને સમજી અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા હકારાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
●○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
