આરટીએસ અપીલ/રીવીઝન માટે iRCMS પોર્ટલ પર ઈ-ફાઈલિંગની સુવિધા ઉપલબ્ધ

નાગરિકો હવે ઓનલાઈન અરજી કરી શકશે; અરજી પ્રક્રિયા બનશે વધુ સરળ અને પારદર્શક
—-
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૨. :- નાગરિકોને આરટીએસ અપીલ/રીવીઝન અરજી કરવાની પ્રક્રિયા સરળ અને સુવિધાજનક બને તે માટે iRCMS પોર્ટલ મારફતે ઈ-ફાઈલિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નાગરિકો ircms.gujarat.gov.in પોર્ટલ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઈન આરટીએસ અપીલ/રીવીઝન અરજી કરી શકશે.
ઈ-ફાઈલિંગ માટે સૌપ્રથમ પોર્ટલના *E-FILING* વિકલ્પમાં જઈ નામ, ઈ-મેઈલ આઈડી અને મોબાઇલ નંબરની વિગતો ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઈ-મેઈલ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દ્વારા લોગીન કરી *“+Add New Case”* વિકલ્પ મારફતે સંબંધિત રેવન્યુ કોર્ટ, જિલ્લો, કચેરી, કેસનો પ્રકાર, વર્ગીકરણ અને કેસનું વર્ષ પસંદ કરીને અરજી દાખલ કરી શકાશે.
ત્યારબાદ કેસ ફાઈલીંગ માટેના ઓપન થયેલા પેજમાં અરજી કરતી વખતે અરજીનો પ્રકાર, વિષય, જમીનની વિગતો જેમાં જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર દાખલ કરવો રહેશે. નીચલી અદાલતના હુકમની વિગતો તેમજ અરજદાર અને પ્રતિવાદીની જરૂરી વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. સાથે પિટિશન મેમો, નીચલી કોર્ટના હુકમની નકલ, જરૂરી હોય ત્યારે વિલંબ માફ અરજી, સ્ટે અરજી, વકીલપત્ર, ઓળખ પુરાવો તથા અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
અરજી સબમિટ કરતાં પહેલાં ઇમ્પોર્ટન્ટ વેરિફિકેશન ચેકલિસ્ટમાં યસ તથા નો કરવાનું રહેશે. ટૂંકમાં તમામ જરૂરી વિગતો અને દસ્તાવેજોની ચકાસણી કરવાની રહેશે. જેમાં અરજદારોના મોબાઇલ નંબર, પક્ષકારોની વિગતો (સરનામુ, મોબાઈલ નંબર), કોર્ટ ફી સ્ટેમ્પ, સંબંધિત હુકમની નકલ, ગામ નમૂના નં. ૭/૧૨/પ્રોપર્ટી કાર્ડ, હક્કપત્રક, ઓળખ પુરાવા, સહી તેમજ સમયમર્યાદા સહિતની વિગતોનો સમાવેશ થાય છે.
તમામ વિગતોની ચકાસણી બાદ ડિક્લેરેશન પર ક્લિક કરી અરજી સબમિટ કરતાં ઈ-ફાઈલિંગની પ્રક્રિયા પૂર્ણ થશે. નાગરિકોને આરટીએસ અપીલ/રીવીઝન અરજી માટે iRCMS પોર્ટલની ઈ-ફાઈલિંગ સુવિધાનો લાભ લેવા તાપી જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી આર. આર. બોરડ દ્વારા અખબારી યાદીના માધ્યમથી અનુરોધ કરાયો છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
