શિક્ષકોની સમજાવટથી કાથુડિયા પરિવારના બાળકોના હાથમાં ફરી આવી પેન-પુસ્તક

0
શિક્ષકોની સમજાવટથી કાથુડિયા પરિવારના બાળકોના હાથમાં ફરી આવી પેન-પુસ્તક

આનંદ જીતેશ કાથુડિયા અને તેના દાદા ઉપરાંત, શિક્ષિકાશ્રી કલ્પનાબેન પટેલ

Contact News Publisher

નિઝરના રૂમકીતળાવમાં ડ્રોપઆઉટ બાળકોનું શાળામાં પુનઃનામાંકન

— 

શિક્ષકોના કાઉન્સેલિંગથી દૈનિક રોજીરોટી અર્થે જતા વાલીઓની ચિંતા દૂર થઈ

— 

‘ઇશ્વર’ અને ‘આનંદ’ ના અટકેલા ભણતરને મળી નવી દિશા

એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે તાપી જિલ્લા વહીવટી તંત્રનો પરિણામલક્ષી પ્રયાસ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01. : નિઝર તાલુકાના રૂમકીતળાવ ગામનો કાથુડિયા પરિવાર દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. સવાર પડે એટલે માતા-પિતા રોજીરોટી માટે ઘરેથી નીકળી જાય, ત્યારે મનમાં એક જ ચિંતા રહેતી કે નાના બાળકોને ઘરે કોના ભરોસે મૂકવા? બાળકોને એકલા મૂકવાની ચિંતા અને તેમની કાળજીના કારણે વાલીઓ તેમને પોતાની સાથે મજૂરીના સ્થળે લઈ જતા હતા.

 

સ્વાભાવિક રીતે બાળકોની સલામતી માટે લેવાયેલો આ નિર્ણય ધીમે ધીમે તેમના ભણતર પર અસર કરી રહ્યો હતો અને પરિવારના બે બાળકો આનંદ જીતેશભાઈ કાથુડિયા અને વસંત ઇશ્વર કાથુડિયાનો અભ્યાસ અધવચ્ચે છૂટી ગયો હતો.

 

આ પરિસ્થિતિ ત્યારે બદલાઈ જ્યારે રૂમકીતળાવ પ્રાથમિક શાળાના શિક્ષિકા કલ્પનાબેન પટેલ અને તેમની શિક્ષક ટીમે શાળા બહાર રહી ગયેલા બાળકોની વિગતો મેળવી હતી. શિક્ષકોએ બાળકો શાળાએ કેમ નથી આવતા તેનું કારણ જાણવાનું નક્કી કર્યું અને વાલીઓના ઘરે જઈ તેમની સાથે વાતચીત કરી હતી.

શિક્ષકોની સમજાવટથી કાથુડિયા પરિવારના બાળકોના હાથમાં ફરી આવી પેન-પુસ્તક
વાલી – વસંતભાઈ કાથુડિયા
પુત્ર – ઇશ્વર વસંત કાથુડિયા

આ અંગે રૂમકીતળાવ પ્રા.શા.ના શિક્ષિકાશ્રી કલ્પનાબેન પટેલે જણાવ્યું કે, માતા-પિતા મજૂરીએ જતા હોવાથી બાળકોને પોતાની સાથે લઈ જતા હતા, જેના કારણે તેમનું શિક્ષણ અધવચ્ચે છૂટી ગયું હતું. અમે બધા શિક્ષકો ભેગા થઈને વાલીઓના ઘરે જઈને તેમનું કાઉન્સેલિંગ કર્યું અને બાળકોને ફરી શાળામાં મોકલવા માટે સમજાવ્યા.

 

તેમણે ઉમેર્યું કે, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેક બાળક સતત શાળાએ આવી સારું શિક્ષણ મેળવે તે માટે અમે સતત પ્રયાસો કરતા રહીશું. શિક્ષકોની સમજાવટ અને સહયોગથી વાલીઓની ચિંતા દૂર થઈ અને તેમણે બાળકોને ફરી શાળાએ મોકલવાનો નિર્ણય કર્યો હતો.

 

આ તકે, વસંત કાથુડિયાએ કહ્યુ કે, બાળકો શાળામાં ભણતા હતા, પરંતુ અમે કામે જતા ત્યારે ચિંતા થતી હોવાથી તેમને સાથે લઈ જતા હતા. શિક્ષકોએ અમને સમજાવ્યું અને હવે અમે ફરીથી બાળકોને શાળાએ મૂક્યા છે. હવે હું પણ મારા બાળકને ભણાવીશ.

 

એક સમયે મજૂરીના સ્થળે માતા-પિતા સાથે જવા મજબૂર બનેલા કાથુડિયા પરિવારના આનંદ જીતેશભાઈ કાથુડિયા અને ઇશ્વર વસંત કાથુડિયા એમ બંને બાળકોના હાથમાં હવે ફરી પુસ્તક અને પેન છે. શિક્ષકોની એક મુલાકાત અને સંવેદનશીલ અભિગમે બે બાળકોને માત્ર શાળામાં પરત નથી લાવ્યા, પરંતુ તેમના અધવચ્ચે અટકેલા સપનાઓને પણ ફરી દિશા આપી છે.

 

રૂમકીતળાવનો આ કિસ્સો એ વાતનો પ્રેરણાદાયી દાખલો છે કે ડ્રોપઆઉટ પાછળની પરિસ્થિતિને સમજવાની સંવેદનશીલતા અને વાલીઓ સાથેનો સતત સંવાદ શિક્ષણથી દૂર થયેલા બાળકને ફરી મુખ્ય પ્રવાહમાં લાવી શકે છે. શિક્ષકો, વાલીઓ અને શાળા પરિવારના સંકલિત પ્રયાસોથી આજે બે બાળકો ફરી શિક્ષણના માર્ગે આગળ વધી રહ્યા છે, જે સમગ્ર તાપી જિલ્લા માટે પ્રેરણારૂપ બન્યું છે.

 

તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના માર્ગદર્શન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વર્ષાબેન વસાવાના નેતૃત્વ હેઠળ તાપી જિલ્લાનો એક પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે માટે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આલેખન – સંગીતા ચૌધરી

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *