વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત પરિસંવાદ યોજાયો

0
વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત પરિસંવાદ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી દર વર્ષે ૨૧ ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. તેના અનુસંધાનમાં આજે ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, સોનગઢના પ્રાંગણમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

પરિસંવાદનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માછીમારી અને મત્સ્યપાલન ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતાની તકો અંગે જાગૃતિ લાવવાનો તેમજ યુવાનો અને યુવતીઓને આ ક્ષેત્રમાં સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિક તરીકે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમમાં ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, સોનગઢના કુલ ૧૨૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

આ પ્રસંગે ડૉ. ફોરમ વાળા દ્વારા “મત્સ્યપાલન ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતાની તકો” વિષય પર વિસ્તૃત અને માર્ગદર્શક પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે મત્સ્યપાલન ક્ષેત્રમાં ઉપલબ્ધ વિવિધ વ્યવસાયિક તકો, રોજગારીની સંભાવનાઓ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, એક્વાકલ્ચર, માછલીના મૂલ્યવર્ધન તથા યુવાનો કેવી રીતે આ ક્ષેત્રને વ્યવસાય તરીકે અપનાવી શકે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે ઉદ્યોગસાહસિકતા, નવીન વિચારો તથા મત્સ્યપાલન ક્ષેત્રમાં સ્વરોજગારની શક્યતાઓ અંગે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને આ ક્ષેત્ર અંગે વધુ માહિતી મેળવી હતી.

 

સદર કાર્યક્રમમાં ડૉ. દિગ્નતિ ટંડેલ સહિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને મત્સ્યપાલન ક્ષેત્રની વ્યવસાયિક સંભાવનાઓથી પરિચિત કરાવીને તેમને “નોકરી શોધનાર નહીં, પરંતુ રોજગારી સર્જનાર” બનવા માટે પ્રેરિત કરવાનો હતો.

 

વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાની ભાવના વિકસાવવા તથા મત્સ્યપાલન ક્ષેત્રને નવી પેઢી માટે એક સશક્ત વ્યવસાયિક ક્ષેત્ર તરીકે રજૂ કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *