સોનગઢમાં ‘એક પેડ માં કે નામ ૩.૦’ અંતર્ગત વિરાટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માત્ર વૃક્ષારોપણ નહીં, વાવેલા વૃક્ષોનું જતન કરવું આપણી સૌની સામુહિક જવાબદારી – નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
—
આદિવાસી સમાજનો પ્રકૃતિપ્રેમ જ જંગલોની સુરક્ષાનું મુખ્ય કારણ – તાપીના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
—
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં સાદડવેલ ગામે વૃક્ષારોપણ મહાયજ્ઞમાં હજારો ગ્રામજનો સ્વયંભૂ જોડાયા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૮. – ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સોનગઢ તાલુકાના સાદડવેલ ખાતે ‘એક પેડ માં કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી તાપી જિલ્લા ખાતે યોજાતા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવી રહ્યો છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા આ અભિયાન દ્વારા માતા અને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ તથા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું કે, તાપી જિલ્લામાં પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં આસપાસના ગામોના નાગરિકો સ્વયંભૂ જોડાઈને પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, માત્ર વૃક્ષારોપણ કરવું જ નહીં, પરંતુ તે વૃક્ષોનું યોગ્ય જતન કરીને તેમને મોટા કરવા એ આપણી સૌની સામુહિક જવાબદારી છે. હજારોની સંખ્યામાં તાપી જિલ્લા તથા આસપાસના ગામોના ગ્રામજનો આ અભિયાનમાં જોડાયા છે, જે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને જવાબદારી દર્શાવે છે.
આ તકે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે કહ્યું કે, આદિવાસી સમાજ અનાદિકાળથી પ્રકૃતિના ખોળામાં જીવતો આવ્યો છે અને તેમને વૃક્ષો પ્રત્યે ઊંડો લગાવ રહ્યો છે. વૃક્ષો પ્રત્યેના આ પ્રેમ અને વન બચાવવાના સતત સહયોગના કારણે જ આજે પણ ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં જંગલો સુરક્ષિત અને સચવાયેલા છે.
નોંધનીય છે કે, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સૌની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું હતું. જે બાદ એક સાથે હજારો (૪ હજારની આસપાસ) ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને તાપી જિલ્લાના સોનગઢના સાદડવેલ ગામથી રાજ્ય અને દેશના તમામ લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગ્રામજનો સાથે સોહાર્દપૂર્ણ સંવાદ સાઘી આદિવાસી સમુદાયના પ્રકૃતિ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં રમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઇ કોંકણી અને શ્રી મોહનભાઇ ઢોડિયા, પદ્મશ્રી રમીલાબેન ગામીત સહિતના પદાધિકારીઓ, મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનુ આયોજન પ્રકૃતિ સંવર્ધન સમિતિ તાપી અને આદિવાસી એકતા અને વિકાસ સંગઠન તાપી તેમજ જિલ્લા વહીવટી તંત્ર તાપીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
ઉપરાંત, જિલ્લા કલેકટરશ્રી દેવ ચૌધરી, રેન્જ આઇજી પ્રેમવીર સિંહ, જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા સહિત ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ-કર્મીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, સંસ્થાના આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
