વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘યુવા આપદા મિત્ર’ સ્વયંસેવકો માટે ફર્સ્ટ એઇડ અને સર્ચ-રેસ્ક્યૂ તાલીમ કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૫ :- તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે રવિવારે ‘યુવા આપદા મિત્ર’ સ્વયંસેવકો માટે વિશેષ આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કોઈ પણ આકસ્મિક આપત્તિ કે કટોકટીના સમયે સ્થાનિક સ્તરે ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી શકાય અને જાનમાલનું નુકસાન અટકાવી શકાય, તેવા આશય સાથે યુવા સ્વયંસેવકોને વહીવટીતંત્રના સહયોગથી સજ્જ કરવામાં આવ્યા હતા.
આ તાલીમ શિબિરમાં SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની વાવ ટીમ દ્વારા ઉપસ્થિત યુવાનોને પૂર, વાવાઝોડું કે અન્ય કુદરતી અને માનવસર્જિત આફતો દરમિયાન ઉપયોગી નીવડે તેવી વિવિધ રેસ્ક્યૂ તકનીકોનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રેસ્ક્યૂ રાફ્ટ અને અન્ય આધુનિક બચાવ સાધનોના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની પદ્ધતિઓ વિગતવાર સમજાવવામાં આવી હતી.
આ ઉપરાંત, આપત્તિના સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ માટે ગોલ્ડન અવરમાં આશીર્વાદરૂપ સાબિત થતી પ્રાથમિક સારવાર અને CPR આપવાની સાચી રીતો વિશે પણ નિષ્ણાત ટ્રેનર્સે મહત્વની માહિતી આપી હતી.
નોંધનીય છે કે, આ વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ (YAMS) અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), ‘મેરા યુવા ભારત’ (MYB) અને NSS ના સહયોગ તથા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, તાપીના સંકલનથી સ્થાનિક યુવાનોને આપત્તિ વ્યવસ્થાપનની સઘન તાલીમ પુરી પાડી સક્ષમ બનાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
