તાપી જિલ્લાનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણી સૌની સામૂહિક અને નૈતિક જવાબદારી – કલેક્ટરશ્રી દેવ ચૌધરી

તાપી જિલ્લાના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વહીવટી તંત્રનું નવું કદમ: લોન્ચ કરાયો ‘પ્રોજેક્ટ સક્ષમ ૧.૦’
—
NEP-2020ના અમલીકરણ, નહિવત ડ્રોપઆઉટ રેશિયો અને વિદ્યાર્થીઓના પાયાના કૌશલ્યોના મૂલ્યાંકન પર વિશેષ ભાર
—
શૈક્ષણિક શિબિરમાં ૪૫૦થી વધુ આચાર્યો અને મુખ્ય શિક્ષકોની ઉપસ્થિતિ
—
વ્યારા ખાતે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બે દિવસીય શૈક્ષણિક ચિંતન શિબિરનો પ્રારંભ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 18. :– તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ તેમજ મુખ્ય શિક્ષકો માટે ૧૮ અને ૧૯ જૂન એમ બે દિવસીય “શિક્ષણની ગુણવત્તા સુધારણા અંગે ચિંતન બેઠક” કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાયો હતો.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લાનું એક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. તાપીના છેવાડાના અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ અવિરત પહોંચે અને દરેક બાળકને શૈક્ષણિક વિકાસની સમાન તકો સાંપડે તે માટે શિક્ષકો અને શિક્ષણ વિભાગે પરસ્પર સમર્પણ અને સેવાભાવ સાથે કાર્ય કરવું અનિવાર્ય છે.
આ બેઠક દરમિયાન તેમણે રાજ્ય સરકારના શિક્ષણલક્ષી સકારાત્મક અભિગમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ના જિલ્લામાં અસરકારક અમલીકરણ, ડ્રોપઆઉટ રેશિયો (શાળા છોડી જનારા બાળકોનું પ્રમાણ) નહિવત કરવા, તેમજ પ્રાથમિક સ્તરે વિદ્યાર્થીઓના વાંચન-લેખન-ગણન કૌશલ્યના સચોટ મૂલ્યાંકન સહ શૈક્ષણિક ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ ચિંતન બેઠકના વિવિધ સત્રોમાં વિષય નિષ્ણાંતો દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણાના પાયાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ગુણવત્તાયુક્ત શિક્ષણ, ધોરણ-૧૦ અને ૧૨ના પરિણામોની સમીક્ષા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નક્કી કરાયેલી જોગવાઈઓ અને ‘પરખ’ રાષ્ટ્રીય સર્વેક્ષણ અંગે ગહન ચર્ચા થઈ હતી.
આ સાથે જ ‘નિપૂણ ભારત’ મિશન અંતર્ગત એફ.એલ.એન. (FLN – પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન), ‘શિક્ષણના ગુણવત્તાયુક્ત સુધાર માટે લોન્ચ કરાયેલા પ્રોજેક્ટ સક્ષમ ૧.૦, ‘બ્રીજ કોર્સ’નું મહત્વ અને શાળા છોડી જતાં બાળકોનો ‘ડ્રોપ આઉટ’ રેશિયો ઘટાડવાના ઉપાયોની વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં, વર્ગખંડમાં ‘આઈ.સી.ટી. (ICT) નો મહત્તમ ઉપયોગ’ કરવા અંગે માર્ગદર્શન આપી, ઉપસ્થિત આચાર્યોના સકારાત્મક પ્રતિભાવો અને મુક્ત ચર્ચા સાથે પ્રથમ દિવસની શિબિરનું સંપન્ન થઈ હતી.
આ કાર્યક્રમ તાપી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
ચિંતન બેઠકના પ્રથમ દિવસે ૧૮મી જૂનના રોજ આયોજિત પ્રથમ તબક્કાની શૃંખલામાં વાલોડ, વ્યારા અને ડોલવણ તાલુકાના ૪૫૦ થી વધુ મુખ્ય શિક્ષકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા, ડાયેટના પ્રાચાર્યશ્રી જે.ડી. પટેલ, ડાયેટની સમગ્ર ટીમ સહિત શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોજેક્ટ સક્ષમ ૧.૦ નો ઉદ્દેશ
તાપી જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં વ્યાપક સુધારો લાવીને દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક પર્ફોર્મન્સને ઉત્કૃષ્ટ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે ‘પ્રોજેક્ટ સક્ષમ ૧.૦’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવશ્રીના દૂરંદેશી વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ગખંડોમાં ‘સહભાગી શિક્ષણ પદ્ધતિ’ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી બાળકો કોઈપણ જાતના બોજ વિના રસપૂર્વક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.
000
H
