લગ્ન પૂર્વે સિકલ સેલની તપાસ જન્માક્ષર જેટલી જ જરૂરી : ૧૯ જૂન વિશ્વ સિકલ સેલ દિવસ

તાપી જિલ્લામાં ૮.૪૮ લાખથી વધુ લોકોનું સઘન સ્ક્રીનિંગ, ૩,૩૭૮ દર્દીઓ સારવાર માટે કટિબદ્ધ આરોગ્ય તંત્ર
—-
સિકલ સેલ મુક્ત તાપીનો સંકલ્પ સાથે નોંધાયેલા દર્દીઓને દર મહિને રૂ. ૨,૫૦૦ની આર્થિક સહાય
—
તાપી જિલ્લામાં તંત્ર દ્વારા ઘરે-ઘરે સ્ક્રીનિંગ અભિયાન વેગવંતુ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૮. – સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૯ જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય આશય પેઢીદરપેઢી ઉતરી આવતા સિકલ સેલ એનિમિયા જેવા ગંભીર વારસાગત રોગ પ્રત્યે સમાજમાં વ્યાપક જનજાગૃતિ લાવવાનો છે, જેથી લોકો સમયસર રોગનું નિદાન કરાવી તબીબી સારવાર મેળવવા પ્રેરિત થાય.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ ૨૦૦૮માં આ દિવસને સત્તાવાર માન્યતા આપી હતી. જેના ભાગરૂપે વર્ષ ૨૦૦૯થી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય સુરક્ષાના આ જનજાગૃતિ અભિયાનની અવિરત ઉજવણી કરવામાં આવી રહી છે.
સિકલ સેલ એનિમિયા એ લોહીના લાલ રક્તકણોને અસર કરતો ગંભીર આનુવંશિક રોગ છે. માતા-પિતામાં રહેલી જનીન ખામી સંતાનોમાં વારસાગત રીતે પહોંચે છે, જેના કારણે સિકલ સેલ ટ્રેઇટ અથવા સિકલ સેલ ડિસીઝ થવાની સંભાવના રહે છે. ગુજરાતના આદિવાસી વિસ્તારો પૈકી તાપી જિલ્લામાં પણ તેનું પ્રમાણ જોવા મળે છે.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તાપી જિલ્લામાં સઘન સ્ક્રીનિંગ અભિયાન વેગવંતું બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લાની કુલ ૮,૭૮,૨૨૩ની વસ્તી પૈકી અત્યાર સુધીમાં ૮,૪૮,૧૧૩ જેટલા નાગરિકોનું સફળતાપૂર્વક સિકલ સેલ સ્ક્રીનિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
જિલ્લામાં હાથ ધરાયેલા આ સઘન સ્ક્રીનિંગ દરમિયાન કુલ ૭૯,૯૩૮ વ્યક્તિઓ DTT પોઝિટિવ નોંધાયા હતા. જેમાં તબીબી તપાસના અંતે ૬૬,૯૩૯ વ્યક્તિઓ સિકલ સેલ વાહક તરીકે અને ૩,૩૭૮ વ્યક્તિઓ સિકલ સેલ દર્દી તરીકે ઓળખાઈ આવતા તંત્ર દ્વારા તેઓની નિયમિત સારવાર અને દેખભાળ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નોંધાયેલા સિકલ સેલ દર્દીઓને સારવાર અને જીવનનિર્વાહ માટે દર મહિને રૂ. ૨,૫૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય દર્દીઓને નિયમિત સારવાર, દવાઓ અને પોષણ જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
તાપી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે ડી.ટી.ટી. (ડાયથિઓનાઈટ ટ્યુબ ટર્બિડિટી ટેસ્ટ) દ્વારા સિકલ સેલની પ્રાથમિક તપાસની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતે એચ.પી.એલ.સી. (હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી) ટેસ્ટ દ્વારા આ રોગની ચોક્કસ પુષ્ટિ (નિદાન) કરવામાં આવે છે.
આ ઉપરાંત તમામ સગર્ભા મહિલાઓનું નિયમિત સિકલ સેલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જો રોગની પુષ્ટિ થાય તો ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન જરૂરી સારવાર તેમજ નિઃશુલ્ક રક્તની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
તાપી જિલ્લામાં સિકલ સેલ એનિમિયા અંગે લોકોમાં જાગૃતિ લાવવા આરોગ્ય વિભાગ દ્વારા સતત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રોમાં સિકલ સેલ અંગે માર્ગદર્શન, આરોગ્ય શિક્ષણ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગામડાઓમાં ઘરે-ગામે મુલાકાત લઈ સિકલ સેલ સ્ક્રીનિંગ, પરામર્શ અને રોગ વિશે માહિતી આપવામાં આવે છે. સગર્ભા મહિલાઓ, કિશોર-કિશોરીઓ અને યુવાનોને ખાસ કરીને સિકલ સેલ ટેસ્ટના મહત્વ વિશે સમજાવવામાં આવે છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ સિકલ સેલ ટ્રેઇટ કોઈ રોગ નથી, પરંતુ વ્યક્તિ રોગનો વાહક હોય છે. જ્યારે સિકલ સેલ ડિસીઝ ગંભીર રોગની સ્થિતિ છે. જો પતિ-પત્ની બંને સિકલ સેલ ટ્રેઇટ અથવા સિકલ સેલ ડિસીઝ ધરાવતા હોય તો તેમના સંતાનોમાં સિકલ સેલ ડિસીઝ થવાની શક્યતા વધી જાય છે.
આથી લગ્ન પહેલાં સિકલ સેલની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. નિષ્ણાતોનું માનવું છે કે જેમ લગ્ન પહેલાં જન્માક્ષર મેળવવાનું મહત્વ અપાય છે, તેમ સિકલ સેલ ટેસ્ટને પણ સામાજિક સ્તરે મહત્વ આપવું જોઈએ.
સિકલ સેલ એનિમિયા શું છે ?
સામાન્ય વ્યક્તિના લોહીમાં રહેલા લાલ રક્તકણો ગોળાકાર, નરમ અને સ્થિતિસ્થાપક હોય છે. પરંતુ સિકલ સેલ એનિમિયામાં રક્તકણો દાતરડાં આકારના અને સખત બની જાય છે. આવા રક્તકણો શરીરની બારીક નસોમાં ફસાઈ જાય છે, જેના કારણે દુખાવો, રક્તની ઊણપ અને અન્ય ગંભીર તકલીફો સર્જાય છે.
સામાન્ય રક્તકણોનું આયુષ્ય લગભગ ૧૨૦ દિવસ હોય છે, જ્યારે સિકલ સેલ ધરાવતા રક્તકણો માત્ર ૪૦ દિવસમાં નાશ પામે છે. પરિણામે દર્દીમાં સતત લોહીની ઊણપ (એનિમિયા) રહે છે.
સિકલ સેલ એનિમિયાના મુખ્ય લક્ષણો
શરીર ફિક્કું પડી જવું,વારંવાર થાક અને કળતર અનુભવવું, હાથ-પગ તથા સાંધામાં દુખાવો અને સોજો,વારંવાર તાવ આવવો,કમળો થવો, પેટમાં દુખાવો,બરોળ અથવા યકૃતમાં સોજો,કિડની અને પિત્તાશય સંબંધિત તકલીફો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સિકલ સેલની તપાસ કરાવવી જોઈએ.
આલેખન – સંગીતા ચૌધરી
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
