વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું સાક્ષી : રૂ. ૨.૫૦ કરોડના ખર્ચે ટાઉન હોલને આપવામાં આવ્યો અત્યાધુનિક ઓપ

વર્ષ ૨૦૦૭માં નિર્માણ પામેલા ટાઉન હોલને સમયની જરૂરિયાતોને અનુરૂપ મળ્યુ આધુનિક સ્વરૂપ
—
સાંસ્કૃતિક, શૈક્ષણિક અને જાહેર કાર્યક્રમોના સફળ આયોજન માટે વ્યારા શહેરની જાહેર સુવિધાઓમાં ઉમેરાયું નવું મોરપીંછ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૧. :- દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિકાસ અને સુશાસનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લામાં તા. ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ “પ્રગતિ પથ યાત્રા” યોજાશે.
આ યાત્રાના આરંભસ્થળ તરીકે વ્યારા શહેરની આધુનિક જાહેર સુવિધાઓમાં મહત્વપૂર્ણ ઉમેરો કરતા અને રૂ. ૨.૫૦ કરોડ (રૂ. ૨,૪૯,૪૩,૦૦૦) ના ખર્ચે આધુનિક સ્વરૂપ પામેલા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલની પસંદગી કરવામાં આવી છે, તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે તાજેતરમાં જ આ રિનોવેટિવ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે હવે આ પ્રગતિ પથ યાત્રાના પ્રસ્થાનનું સાક્ષી બનશે.
વ્યારા શહેરના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમોનું મહત્વનું કેન્દ્ર ગણાતા આ ટાઉન હોલને સરકારશ્રીની ૧૫મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ અધ્યતન ઓપ આપવામાં આવ્યો છે. આ વિશેષ ગ્રાન્ટ હેઠળ હાથ ધરાયેલી નવીનીકરણની કામગીરીના પરિણામે હવે આ ટાઉન હોલ અગાઉ કરતાં વધુ સુવિધાસભર, આકર્ષક અને જનઉપયોગી બન્યો છે.
વર્ષ ૨૦૦૭માં નિર્માણ પામેલા આ ટાઉન હોલને સમયની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે આ વ્યાપક રિનોવેશન હાથ ધરાયું હતું. જેના અંતર્ગત હવે અહીં ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ, આધુનિક લાઇટિંગ વ્યવસ્થા, નવી આરામદાયક બેઠક સુવિધા, સ્ટેજનું આધુનિકીકરણ અને વી.આઈ.પી. રૂમ જેવી હાઈટેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત, નાગરિકોની સુવિધા માટે નવો ટોઇલેટ બ્લોક અને પાણીની અવિરત સપ્લાય માટે બોરની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, જે વ્યારાવાસીઓને શ્રેષ્ઠ પબ્લિક સ્પેસનો અનુભવ કરાવી રહી છે.
પ્રગતિ પથ યાત્રાના આરંભસ્થળ તરીકે તેની પસંદગી એ દર્શાવે છે કે વ્યારા શહેરમાં થયેલા વિકાસકાર્યોને રાજ્યસ્તરે પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને જાહેર કાર્યક્રમો માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું આ ટાઉન હોલ હવે જિલ્લાના વિકાસના પ્રતીકરૂપ પ્રકલ્પોમાં સ્થાન પામ્યું છે.
આ પ્રગતિ યાત્રાનો પ્રારંભ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલથી થશે. જે વ્યારા શહેરના વિવિધ વિકસિત સ્થળોએ તબક્કાવાર ભ્રમણ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, વ્યારા ખાતે પૂર્ણાહુતિ થશે.
આલેખન – રોશન સાવંત
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
