ગુજરાત સ્થિત વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો વૈશ્વિક ડંકો : યુનિવર્સિટીના અત્યારસુધીમાં દેશ-વિદેશમાં કુલ 13 કેમ્પસ કાર્યરત

PM મોદીના વિઝન સાથે NFSUનું ગૌરવપૂર્ણ પ્રદાન : અમેરિકા સુધી પહોંચી દેશમાં બનેલી ફોરેન્સિક પ્રોડક્ટ્સ:17 રાજ્યોમાં 300+ મોબાઈલ વાન સેવારત
————
‘સંશોધન દ્વારા શિક્ષણ’ના ધ્યેય સાથે NFSUએ સ્થાપ્યા નવા માપદંડ: વિમાન દુર્ઘટનામાં DNA પ્રોફાઇલિંગથી લઈ સ્પોર્ટ્સ સાયન્સ ક્ષેત્રે મેળવી વિશિષ્ટ સિદ્ધિ
————
96 દેશોના પ્રતિનિધિઓ મેળવી રહ્યા છે વિવિધ તપાસ-સુરક્ષાલક્ષી તાલીમ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતા 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વર્ષ 2009માં ગાંધીનગર ખાતે સ્થપાયેલી આ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકા ગાળામાં ઓક્ટોબર-2020માં “ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (INI)”નો ગૌરવપૂર્ણ દરજ્જો પ્રાપ્ત કર્યો છે.
સ્થાપક કુલપતિ અને ભારતના વરિષ્ઠતમ ફોરેન્સિક સાયન્ટિસ્ટ “પદ્મશ્રી” ડૉ. જે.એમ. વ્યાસના કુશળ નેતૃત્વ હેઠળ NFSU એ શિક્ષણ, સંશોધન, તાલીમ અને ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે એક વિશિષ્ટ શૈક્ષણિક મોડેલ સ્થાપિત કર્યું છે.
વૈશ્વિક પહોંચ અને આંતરરાષ્ટ્રીય કેમ્પસ
NFSU એ ગુજરાતની અને ભારતની એક એવી વિશિષ્ટ સરકારી યુનિવર્સિટી બની છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરીને યુગાન્ડાના જિન્જા ખાતે પોતાનું વિદેશી કેમ્પસ સ્થાપ્યું છે. અત્યાર સુધીમાં વિશ્વના 96 દેશોના પ્રતિનિધિઓએ અહીંથી ફોરેન્સિક સાયન્સનું ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ મેળવ્યું છે. સંસ્થાની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ગ્રીન કેમ્પસથી પ્રભાવિત થઈને વિશ્વના અનેક દેશોએ પોતાના દેશમાં NFSUનું કેમ્પસ સ્થાપવા માટે સત્તાવાર દરખાસ્તો પાઠવી છે. સતત વિસ્તરી રહેલી આ યુનિવર્સિટી મે 2026 સુધીમાં દેશ-વિદેશમાં કુલ 13 કેમ્પસ ધરાવે છે.
ગ્રાઉન્ડ લેવલ તપાસ માટે 300થી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન:
ગુનાની વૈજ્ઞાનિક તપાસ ઝડપી બને અને સચોટ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય તે માટે NFSU એ ભારતમાં જ નિર્મિત અત્યાધુનિક ‘મોબાઈલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન’ તૈયાર કરી છે. આ વાન 24×7 કલાક કૌશલ્યયુક્ત તજજ્ઞો અને ખાસ ફોરેન્સિક કીટ્સ સાથે સેવામાં તૈનાત રહે છે. દેશના 17થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી 300થી વધુ મોબાઈલ સેવારત છે, જે ન્યાય પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવી ગુનેગારોને કડક સજા અપાવવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે.
સ્ટાર્ટ-અપ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’નું સપનું સાકાર
NFSU દ્વારા સંશોધન અને સ્ટાર્ટ-અપ્સને વેગ આપવા માટે કંપની કાયદા હેઠળ ‘ફોરેન્સિક ઈનોવેશન કાઉન્સિલ’ અને SSIP ના સહયોગથી ‘ફોરેન્સિક ઇનોવેશન સેન્ટર’ની સ્થાપના કરવામાં આવી છે. અહીં અત્યાધુનિક લેબોરેટરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ કેન્દ્ર સરકારના માધ્યમથી તૈયાર થયેલી ફોરેન્સિક તપાસ માટેની 20થી વધુ મેક-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, સિંગાપોર અને યુરોપ જેવા દેશોમાં નિકાસ થઈ રહી છે. એટલું જ નહીં, સંસ્થાએ ભારતમાં તેમજ અમેરિકામાં પણ વિશિષ્ટ પેટન્ટ અપ્રૂવલ મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
ડિઝાસ્ટર ઇન્વેસ્ટિગેશન અને સ્પોર્ટ્સ સાયન્સમાં સીમાચિહ્નરૂપ કામગીરી
રાષ્ટ્રીય આપત્તિઓ અને જટિલ કેસોમાં પણ NFSU અગ્રેસર રહ્યું છે. ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી ભયંકર અને દુઃખદ એર ઇન્ડિયા ફ્લાઇટ-171 વિમાન દુર્ઘટનાના કુલ 265 હતભાગીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે NFSUની ટીમે અત્યંત ઝડપી ગતિએ DNA પ્રોફાઇલિંગનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું હતું.
આ ઉપરાંત, રમતગમત ક્ષેત્રે રમતવીરોના પોષણ પરીક્ષણ અને પ્રતિબંધિત પદાર્થોની માત્રા શોધવા માટે અહીં વિશેષ “સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ન્યૂટ્રિશનલ ટેસ્ટિંગ ફોર સ્પોર્ટ્સપર્સન” (CoE-NSTS) પણ શરૂ કરવામાં આવ્યું છે, જે દેશમાં આ પ્રકારનું અનોખું વૈજ્ઞાનિક કેન્દ્ર છે.
ડીએનએ ફોરેન્સિક્સ, ડ્રોન ફોરેન્સિક અને ડિજિટલ ફોરેન્સિક્સ જેવા ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોમાં અદભુત સંશોધનો કરી રહેલી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વડાપ્રધાનશ્રીના “આત્મનિર્ભર ભારત”, “મેક ઇન ઇન્ડિયા” અને “ડિજિટલ ઇન્ડિયા” ના સંકલ્પને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્ત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના સતત માર્ગદર્શન હેઠળ, કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત્ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) આજે વૈશ્વિક સ્તરે ફોજદારી ન્યાય વિતરણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં મોખરાનું સ્થાન ધરાવે છે તે ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે.
————-
NFSUની વિકાસયાત્રા સંદર્ભે વિવિધ મહાનુભાવો-વિદ્યાર્થીઓનો પ્રતિભાવ :
વિશ્વપ્રસિદ્ધ કથાકાર અને આધ્યાત્મિક માર્ગદર્શક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ NFSUની મુલાકાત દરમિયાન પોતાના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, દરેક સમસ્યાનું સમાધાન હોય છે, જ્યારે પણ ગુનેગાર કોઈ સમસ્યા ઊભી કરે છે ત્યારે NFSU જેવી વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટી તેનું સમાધાન લાવવા માટે કટિબદ્ધ છે. હું વિશ્વપ્રસિદ્ધ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની મુલાકાત લઈને અત્યંત પ્રસન્ન થયો છું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે સ્વપ્ન જોવાયું હતું કે ફોરેન્સિક ક્ષેત્રે ભારત અગ્રણી બને તથા અનેક દેશોની ફોરેન્સિક ક્ષમતા-નિર્માણમાં મદદ કરે, તે સ્વપ્નને NFSUએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.
——-
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર દ્વારા “માય લાઇફ: માય સ્ટોરી” વિષય પર ઇન્ડિયા ટીવીના ચેરમેન અને એડિટર ઇન ચીફ શ્રી રજત શર્માના એક વિશિષ્ટ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી રજત શર્માએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના સમયમાં “Fake News-ફેક ન્યૂઝ” અને “Deep Fake-ડીપ ફેક” ચિંતાનો વિષય બની ગયા છે, આવા સમયે આવા ખોટા વિડીયોની સમસ્યાને હલ કરી સમાજમાં જાગૃતિ લાવવાના કાર્યમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU)નું યોગદાન મહત્ત્વનું સિદ્ધ થશે.
—–
સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝના MBAના વિદ્યાર્થીની ડૉ. નિશા વાળા કહ્યું હતું કે,
“NFSU માં અભ્યાસ કરવો એક ઉત્તમ વૈશ્વિક અનુભવ છે. અહીંનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કારકિર્દી-કેન્દ્રિત માર્ગદર્શન આપતા અત્યંત જ્ઞાનસભર પ્રોફેસરો અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.”
———-
એમ. ટેક. સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સના શ્રી નાઈ વેદે કહ્યું હતું કે,
NFSUમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેનો ઉપયોગ અમારા સંશોધન કાર્યમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
———-
જનક દેસાઈ
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
