યાદ છે બાળપણના એ દિવસો ? જ્યારે જાંબુ ખાધા પછી આપણે…

જાંબુ’ ચરબી ઓગાળવા અને સુગર કંટ્રોલ કરવા રામબાણ સાબિત થઇ શકે
—
જાંબુ સહિત પ્રત્યેક સીઝનલ ફળો સ્વાસ્થ્ય માટે લાભદાયી
—
યાદ છે બાળપણના એ દિવસો ? જ્યારે જાંબુ ખાધા પછી આપણે એકબીજાને જાંબલી જીભ બતાવીને રાજી થતા હતા… જાંબુનો ખાટો-મીઠો સ્વાદ ‘જેને ભાવે તેને જ ભાવે’ તેવુ બિલકુલ નથી, આ તો સૌને ભાવે.
સ્વાદમાં લાજવાબ આ ફળ માત્ર જીભનો રંગ જ નથી બદલતું, પણ તમારા સ્વાસ્થ્યની કાયાપલટ કરવાની તાકાત પણ રાખે છે.
જાંબુના જાદુઈ ફાયદાની વાત કરીએ તો જાંબુમાં રહેલા વિશેષ ગુણો કુદરતી રીતે ઇન્સ્યુલિન એક્ટિવિટીને વધારે છે, જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ગુણકારી છે.
તેમાં એસ્ટ્રિજન્ટ ગુણો છે, જે ત્વચાને સાફ રાખે છે અને લોહીને શુદ્ધ કરે છે. તે કિડની અને પેશાબને લગતી સમસ્યાઓમાં શરીરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
શરીરમાં ચરબી વધવાથી અનેક પ્રકારની શારીરિક બીમારીઓ વધવા લાગે છે. આજના સમયમાં બેઠાળુ જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે વજન વધવું એ માત્ર સુંદરતાનો નહીં, પણ ગંભીર બીમારીઓનો વિષય બન્યો છે.
શરીરમાં ચરબી વધવાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી અનેક શારીરિક અસરો શરૂ થાય છે. આ જ કારણે આજે તાપી જિલ્લા સહિત ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ ચલાવીને લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
એવામાં જાંબુ જેવા ફળોમાં એન્થોકયાનિન નામનું શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ જોવા મળે છે. આ તત્વ શરીરમાં જમા થયેલી જીદ્દી ચરબીને તોડવાનું અને મેટાબોલિઝમ ઝડપી બનાવવાનું કામ કરે છે.
જાંબુમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું અને ફાઈબર વધુ હોય છે, જેથી તે વજન ઘટાડવાની પ્રક્રિયાને કુદરતી ગતિ આપે છે.
ટૂંકમાં જાંબુ તો શરીર માટે લાભદાયી છે જ. અમૃત સમાન જાંબુ સહિત પ્રત્યેક સીઝનલ ફળ એ કુદરતનું ટાઈમ-ટેબલ છે, જે બદલાતી ઋતુમાં શરીર માટે સદા લાભદાયી છે.
આલેખન – રોશન સાવંત
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
