રાજ્યની શ્રેષ્ઠ ITI ના રેન્કિંગમાં સરકારી ITI વ્યારા દ્વિતીય ક્રમે
તાપી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછ
—
ગાંધીનગર ખાતે મંત્રીશ્રીઓના હસ્તે એવોર્ડ એનાયત કરાયો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 08 :- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ગુજરાતની આઈ.ટી.આઈ. (ITI) ના શ્રેષ્ઠતાના ક્રમાંક જાહેર કરવામાં આવ્યા છે. આ રેન્કિંગમાં તાપી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. વ્યારાએ પોતાની ઉત્કૃષ્ઠ તાલીમી અને વહીવટી કામગીરીના જોરે સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ પુરવાર કરે છે કે ITI વ્યારા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં રાજ્યની અગ્રણી સંસ્થા છે.
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે આયોજિત એક ગરિમામય કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે સંસ્થાને આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય વર્ગ-૧ શ્રી એમ. એસ. પટેલ તથા આચાર્ય વર્ગ-૨ શ્રીમતી એસ. એ. ચૌધરીએ ઉપસ્થિત રહી સન્માન પત્ર સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં સચિવ શ્રી લોચન સહેરા, નિયામક શ્રી નિતિન સાંગવાન અને શ્રી કે. જે. રાઠોડ જેવા ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થયા હતા.
ITI વ્યારા જિલ્લાના યુવાનો માટે કારકિર્દી બનાવવાનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર સાબિત થઈ રહ્યું છે. અહીં તાલીમાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાત મુજબનું પ્રેક્ટિકલ કૌશલ્ય શીખવવામાં આવે છે. સંસ્થામાં કાર્યરત વિવિધ ટ્રેડ દ્વારા યુવાનોને રોજગાર સક્ષમ તાલીમ આપવામાં આવે છે, જેના કારણે અનેક યુવાનો પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી મેળવી રહ્યા છે. અત્યાધુનિક સાધનો અને અનુભવી ટ્રેનર્સ દ્વારા અહીં યુવાનોને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેઓ તાલીમ બાદ તુરંત આત્મનિર્ભર બની શકે.
સંસ્થાનો મુખ્ય હેતુ જિલ્લાના વધુમાં વધુ યુવાનો કૌશલ્યવાન બની સારી નોકરી કે સ્વ-રોજગાર પ્રાપ્ત કરે અને આર્થિક રીતે સક્ષમ બને તે રહ્યો છે. ITI વ્યારા હંમેશા યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે અને તેની આ જ નિષ્ઠાવાન કામગીરીના ફળસ્વરૂપે આજે તેને રાજ્ય સ્તરે આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
