તાપી જિલ્લા પ્રિ-મોન્સૂન રિવ્યુ બેઠક : જિલ્લા-તાલુકાના કંટ્રોલરૂમ ૨૪x૭ કાર્યરત કરવા અપાયા નિર્દેશ
તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન રિવ્યુ બેઠક યોજાઈ
—
આપત્તિ વ્યવસ્થાપન હેઠળ જિલ્લા-તાલુકાના કંટ્રોલરૂમ ૨૪x૭ કાર્યરત કરવા અપાયા નિર્દેશ
—
નીચાણવાળા વિસ્તારોનું મેપિંગ અને બચાવ સાધનોની ચકાસણી પર વિશેષ ભાર આપતાં કલેક્ટર ડો. ગર્ગ
—
વર્ષાઋતુમાં જન સુરક્ષાને સુનિશ્ચિત કરવા વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી સુચારૂ આયોજન ગોઠવવા કલેક્ટરશ્રીની સુચના
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 08 :- તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષપદે આગામી ચોમાસાની ઋતુ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની પૂર્વ તૈયારીઓ અને સજ્જતાની સમીક્ષા કરવા માટે શુક્રવારે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ખાસ પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટર ડો. ગર્ગે આગામી વર્ષાઋતુને કેન્દ્રમાં રાખીને તમામ વિભાગોના સુચારૂ સંકલન દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કુદરતી આપદાના સમયે જાનમાલનું રક્ષણ કરવાના ઉમદા આશય સાથે તમામ અધિકારીઓને સુચારૂ આયોજન, સતર્કતા અને ડિઝાસ્ટર પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપી હતી.
ચોમાસામાં સંચાર વ્યવસ્થા અને માહિતીના ઝડપી આદાન-પ્રદાનને પ્રાથમિકતા આપતા કલેક્ટરશ્રીએ જિલ્લા તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ૨૪x૭ કાર્યરત કરવાના નિર્દેશ આપ્યા હતા. માહિતીની ચોકસાઈ માટે દર બે કલાકે વરસાદના આંકડા ડિઝાસ્ટર શાખાને નિયમિત મોકલવા સૂચના આપી હતી.
વધુમાં તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો અધતન કરી રજૂ કરવા તેમજ તાલુકા વાઈઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
વરસાદી પાણીના ભરાવા અને તેનાથી ઉભા થતા સંભવિત જોખમોને નિવારવા માટે કલેક્ટરશ્રીએ નીચાણવાળા વિસ્તારો, પુરગ્રસ્ત ગામો તથા તરવૈયાઓની યાદી તૈયાર કરવા નિર્દેશ આપ્યા હતા. કોઈપણ કટોકટીના સમયે ત્વરિત સંપર્ક કરી શકાય તે હેતુથી, આ સ્થળો સાથે સંબંધિત ગામના તલાટી અને સરપંચના મોબાઈલ નંબર સહિતનો સંપૂર્ણ ડેટા તૈયાર રાખવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
ચોમાસા પૂર્વેના સુરક્ષાત્મક પગલાંના ભાગરૂપે ગટર અને નદી-નાળાની સફાઈ તથા જોખમી વૃક્ષોનું કટીંગ કરવ સહિત વિવિધ મુદ્દાઓ પર કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.
આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટરશ્રીએ જિલ્લાના તરવૈયાઓ અને આપદામિત્રોની યાદી અધતન રાખવા તેમજ લાઈફ બોયા, જેકેટ અને જનરેટર જેવા બચાવ સાધનોની કાર્યક્ષમતાની ચકાસણી કરવા પર વિશેષ ભાર આપ્યો હતો.
આ ઉપરાંત, સંભવિત જોખમ ઉભું કરી શકે તેવી ભયજનક ઈમારતો અને હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારોશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરોશ્રી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
