જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યુ
પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે. આ ચર્ચામાં કમલેશ પટેલ જોડાશે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કમલેશ પટેલ રોજ 1000 લીટર જીવામૃત પણ તૈયાર કરી વેચે છે અને 1000 (એક બેગનું વજન 40 કિલો) ઘનજીવામૃત તૈયાર કરે છે.
રાજ્યમાં 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાજંલિ આપી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 29 એપ્રિલ; 2026: સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જઇ રહ્યો છે એવા સમયે સુરતનાં માંગરોળિયા ગામમાં કમલેશ પટેલનાં ખેતરમાં 20થી વધુ મજૂરો ખરિફ સીઝન પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ‘ઘનજીવામૃત’ બનાવવામાં વ્યસ્ત છે.
સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં અંભેટી ગામનાં ખેડૂત કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે. એટલુ જ નહીં, પણ દેશને રાસાયણિક ખાતરની આયાત ઘટે અને તેના મજબૂત વિકલ્પ તરીકે ઘનજીવમૃત લાખો ખેડૂતો સુંધી પહોંચે તે સંકલ્પ સાથે ઘનજીવામૃત મોટા પાયે તૈયાર કરે છે. કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવે છે. કમલેશ પટેલ પણ માસ્ટર ટ્રેઇનર છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપે છે.
રાજ્યમાં હાલ 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાજંલિ આપી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. સાડા પાંચ હેક્ટરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા રાસાયણિક ખાતરનાં વિકલ્પ તરીકે જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ થાય છે. અને તેની માંગ સતત વધી રહી છે
પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે. કમલેશ પટેલ આ ચર્ચામાં જોડાશે.
વર્ષ-2017થી પ્રાકૃતિક ખેતી કરતા કમલેશ પટેલે ઘનજીવામૃતનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન હાથ ધર્યુ છે. રોજ 1000 બેગ (એક બેગનું વજન 40 કિલો) તૈયાર કરે છે અને સમગ્ર રાજ્ય અને રાજ્ય બહાર તેનું વેચાણ કરે છે. ચાલુ વર્ષમાં રોજની 2000 બેગ તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ગુજરાતનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રાજ્યનાં ગામડાંઓ ખૂંદી રહ્યા છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે. આ તમામ પ્રયાસોને પરિણામે, ખેડૂતો રસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરી તેના વિકલ્પ તરીકે જીવામૃત અને ઘનજીવામૃતનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરે છે.
ઘનજીવામૃત એક શક્તિશાળી જૈવિક ખાતર છે. તે જમીન સુધારે છે. ખેતરમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરે છે. જમીનના પોષક તત્વોમાં વધારો કરે છે અને ઉત્પાદન વધારે છે.
ચાલુ વર્ષે એક લાખ બેગ ઘનજીવામૃત બનાવવાનું લક્ષ્ય
કમલેશ પટેલે જણાવ્યું કે, “વધુ અને વધુ ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેમને જીવામૃત અને ઘનજીવામૃતની જરૂર પડે છે. ગયા વર્ષે અમે 50,000 થેલીઓ (40 કિલોની એક બેગ) વેચી હતી અને આ વર્ષે એક લાખ ઘનજીવમૃતની થેલીનું ઉત્પાદન કરવાનું આયોજન છે.”
સુભાષ પાલેકરનાં ત્રણ દિવસના સેમિનારે જીવનનો માર્ગ બદલ્યો
વર્ષ-2016માં કમલેશ પટેલે સુભાષ પાલેકર દ્વારા આયોજિત ત્રણ દિવસના ‘ઝીરો બજેટ’ પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં ભાગ લીધો હતો અને તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને તે જ ઘડીએ રાસાયણિક ખાતરને તિલાંજલી આપી અને પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો.
પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છતા લોકોએ પ્રેરણા આપી
વર્ષ-2017માં શેરડીની ખેતીમાં પ્રાકૃતિક ખેતીથી કમલેશ પટેલને ઉત્તમ પરિણામો મળ્યા. શેરડીનું વિઘાદીઠ 45 ટન ઉત્પાદન આવ્યું. આ ચમત્કાર જોઇ ગામના અન્ય ખેડૂતોએ પણ આ પદ્ધતિ અપનાવવાની તૈયારી દર્શાવી પણ તેમની પાસે જીવામૃત અને ઘનજીવામૃત નહોતું. બનાવવાની ઝંઝટમાં પડવા માંગતા નહોતા એટલે તેમણે કમલેશ પટેલને આ બંનેનું મોટાપાયે ઉત્પાદન કરવાની વાત કરી અને તેમણે જીવામૃત અને ઘનજીવામૃતનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું. ગુજરાત સરકારે તેમને આર્થિક સહાય પણ કરી. હાલ કમલેશ પટેલ દરરોજ સરેરાશ આશરે 40,000 કિલો ઘનજીવામૃત અને 1,000 લીટર જીવામૃત તૈયાર કરી વેચાણ કરે છે. તેઓ ઘનજીવામૃત રૂ. 6 પ્રતિ કિલો અને જીવામૃત રૂ. 5 પ્રતિ લીટર દરે વેચે છે. રાજ્ય સરકારનાં કૃષિ વિભાગ દ્વારા કમલેશ પટેલને જીવામૃત બનાવવા માટે તેમને બાયો રિસોર્સ સેન્ટર (બીઆરસી) માટે સબસિડી આપવામાં આવી છે અને ઘનજીવામૃત બનાવવા માટે પણ આર્થિક સહાય કરી છે.
સંયુક્ત ખેતી નિયામક, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (ગાંધીનગર) નિતીન ગામિતે કહ્યું કે, ગુજરાતમં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે મહત્વની પ્રગતિ થઇ રહી છે. પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતો વળે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેથી રાસાયણિક ખાતરનાં વિકલ્પ તરીકે જીવામૃત અને ઘનજીવામૃત ખેડૂતોને મળી રહે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
