રંગોત્સવ : ઓલપાડ ટાઉન સ્થિત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ ટાઉન સ્થિત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘રંગોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઓલપાડનાં સરપંચ રૂચિકાબેન પટેલ, પંચાયત સભ્ય અશોકભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, માજી ટીપીઈઓ નગીનભાઈ પટેલ, ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીનાં સેક્રેટરી મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમને દીપ પ્રજ્વલન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રારંભે યજમાન પી.એમ.શ્રી શાળાનાં આચાર્યા તસ્લીમબાનું બેલીમે સૌને શાબ્દિક આવકાર આપી શાળાની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો.
મેઘધનુષી રંગોની જેમ આંખોમાં અનેક સપનાઓ જોતાં બાળકોની સર્જનશીલતા, ક્ષમતા અને પ્રતિભાને ઉજાગર કરવા અને શિક્ષકોની મહેનતને એક નવો આયામ મળી રહે એવાં શુભ હેતુથી યોજાયેલ આ રંગોત્સવમાં શાળાનાં બાળકોએ ૧૭ જેટલી અવનવી કૃતિઓ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. આમંત્રિત મહેમાનો, શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીજનો સહિત સ્થાનિક રહેવાસીઓએ તમામ કૃતિઓ મન ભરીને માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં શાળાનાં ઉપશિક્ષક નવીનભાઈ ગામીતે આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
