સમગ્ર શિક્ષા ઓલપાડ દ્વારા તળાદ હાઈસ્કૂલ ખાતે ‘માતૃભાષા મહોત્સવ ૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાની પ્રેરણાથી ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ વિષય પર વ્યાખ્યાન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સમગ્ર શિક્ષા, ઓલપાડનાં સંયુક્ત ઉપક્રમે તળાદ હાઈસ્કૂલ ખાતે ‘માતૃભાષા મહોત્સવ-૨૦૨૬’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ‘માતૃભાષા સપ્તાહ’ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ જગતનાં અગ્રણીઓ અને સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં ઓલપાડ તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે શાબ્દિક પ્રવચન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય આપ્યો હતો અને માતૃભાષાનાં સંવર્ધન માટે સૌને કટિબદ્ધ થવા હાકલ કરી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતનાં પ્રાચાર્ય ડૉ. હિરેનભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પોતાનાં ઉદબોધનમાં માતૃભાષાનાં સંવર્ધન અને શિક્ષણમાં તેનાં મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે “માતૃભાષા એ જ બાળકનો સાચો બૌદ્ધિક અને સાંસ્કૃતિક પાયો છે.” ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહાની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ વિષય પર મુખ્ય વક્તા તરીકે શ્રીમતી મિનાક્ષીબેન અટોદરિયા અને શ્રીમતી રીના રાબડીયાએ ખૂબ જ સુંદર શૈલીમાં ગુજરાતી ભાષાનો મહિમા વર્ણવ્યો હતો. આ પ્રસંગે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજિત ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનાં વિજેતા શિક્ષકો શાહીનબેન ખટીક (મોર મુખ્ય પ્રા. શાળા), હેતલબેન ચૌધરી (ઉમરાછી પ્રા. શાળા) અને હેમાક્ષીબેન પટેલ (દિહેણ પ્રા. શાળા) ને મહાનુભાવોનાં હસ્તે સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
સદર મહોત્સવમાં ઓલપાડનાં ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય જરગલીયા, તળાદ હાઈસ્કૂલનાં આચાર્ય જયેશ પટેલ, મંડળનાં સહમંત્રી હરિસિંહ ઠાકોર તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કીમનાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર અશોક પટેલે કર્યું હતું. અંતમાં આભારવિધિ માસમાનાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર આશાબેન ગોપાણીએ આટોપી હતી. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં કુશળ સંયોજન અને આયોજનથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ આયોજનને સફળ બનાવવા તેજસ નવસારીવાલા, રાકેશ પટેલ તેમજ મિલન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
